કોરિયા અને તાઈવાન જેવા અન્ય ઉભરતા બજારોની સરખામણીએ ભારતની નાણાકીય સ્થિતિ વધારે મજબૂત અને આશાઓથી ભરેલી છે. મોર્ગન સ્ટેનલીમાં એશિયા અને ઉભરતા બજારોની ઈક્વિટી સ્ટ્રેટેજીના ચીફ જોનાથન ગાર્નરે આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. ગાર્નરે કહ્યુ હતુ કે, ‘ભારત સૌથી મોંઘા બજારોમાનું એક છે અને નાણાકીય વર્ષ 2022માં તેની આવક વૃદ્ધિ સારી દેખાઈ છે. જો કે, કોરિયા અને તાઈવાન જેવી અર્થવ્યવસ્થાઓને સેમીકન્ડક્ટરની અછતના કારણે ઘણું નુકસાન થયું છે.
ગાર્નરના અનુસાર, અન્ય ઉભરતા બજારો કરતા ભારતનું અર્થતંત્ર સારી સ્થિતિમાં છે. સાથે જ મોંઘવારીમાં ઘટાડો અને વ્યાજ દરોમાં ઓછા વધારાને જોતા વર્ષ 2023માં બજારનું આઉટલૂક સકારાત્મક છે.
ભારતમાં આર્થિક વિકાસનો નવો યુગ શરૂ થશેઃ મોર્ગન સ્ટેનલી
મોર્ગન સ્ટેનલી રિસર્ચના એક તાજેતરના બ્લૂપેપરમાં, વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા વિશ્લેષકો માને છે કે, ભારતમાં આર્થિક વિકાસના એક નવા યુગની અપેક્ષા છે જે, આશ્ચર્યજનક પરિવર્તન લાવી શકે છે. આમાં વૈશ્વિક મેન્યુફેક્ચરિંગમાં ભારતની ભાગીદારી વધવી, ઘિરાણ ઉપલબ્ધતાનું વિસ્તરણ, નવા વેપારનું નિર્માણ, લોકોના જીવનધોરણમાં સુધારો અને લોકોની ખરીદશક્તિમાં ઉછાળાનો સમાવેશ થાય છે.
2027 સુધી જાપાન અને જર્મનીને પાછળ છોડી દેશે ભારત
મોર્ગન સ્ટેનલીના ચીફ ઈક્વિટી સ્ટ્રેટેજિસ્ટ, રિધમ દેસાઈએ કહ્યુ કે, ‘અમારું માનવું છે કે, ભારત 2027 સુધી જાપાન અને જર્મનીને પાછળ છોડીને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. સાથે જ આ દાયકાના અંત સુધી ત્રીજું સૌથી મોટું શેર બજાર હશે.
ભારતમાં રોકાણને લઈને મલ્ટીબેગર કંપનીઓમાં ઉત્સાહ
મોર્ગન સ્ટેનલીના આંકડાઓથી ખબર પડે છે કે, ભારતમાં રોકાણને લઈને બહુરાષ્ટ્રીય કંપનીઓની સલાહ હવે ઉચ્ચ સ્તર પર છે. ભારતના GDPમાં હજુ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો 15.6 ટકા હિસ્સો છે, જે વર્ષ 2031 સુધી વધીને 21 ટકા સુધી થશે તેવી આશા છે અને આ દરમિયાન ભારતનું એક્સપોર્ટ માર્કેટ બમણું થઈ શકે છે.