ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અક્ષર પટેલે ગુરુવારે તેની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કર્યા હતા. અક્ષર પટેલના લગ્ન વડોદરામાં થયા હતા. અક્ષરે હાલમાં લગ્ન માટે ન્યૂઝીલેન્ડ સિરીઝમાંથી બ્રેક લીધો છે. ફોટામાં અક્ષર અને મેહા સફેદ કપડામાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. અક્ષરે પરંપરાગત પાઘડી પહેરેલી છે.બંનેની સગાઈ ગયા વર્ષે 20 જાન્યુઆરીએ થઈ હતી. એ દિવસે અક્ષરનો જન્મદિવસ હતો. મેહા વ્યવસાયે ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તેઓ રીલ્સ પણ બનાવે છે. અક્ષર-મેહાના લગ્નમાં મોહમ્મદ કૈફ, જયદેવ ઉનડકટ સહિત ઘણા ક્રિકેટર્સ પણ પહોંચ્યા હતા.
પટેલે આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકા સામે T20 અને ODI શ્રેણી રમી હતી. રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયા બાદ અક્ષર પટેલ ભારતીય ટીમનો સતત ભાગ રહયા છે. પોતાની બોલિંગને કારણે ચર્ચામાં રહેલ અક્ષર આ દરમિયાન બેટિંગ પણ સારું કર્યું હતું. લગ્ન બાદ અક્ષર પટેલ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં પરત ફરશે. જો કે, રવિન્દ્ર જાડેજા હવે ફિટ હોવાથી, અક્ષર માટે આવનારા સમયમાં ભારતીય ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવું સરળ નહીં હોય.