- સયાજીબાગ ના દરવાજે થી વહેલી સવારે પ્રસ્થાન કરશે…
- શહેરી માર્ગો પર અંદાજે ૩ કિમી દોડી લોકોને અચૂક મતદાનનો સંદેશ આપશે…
વિધાનસભા ચૂંટણીઓનુ મતદાન તા.૫ મી ડીસેમ્બર ના રોજ થવાનું છે.આ દિવસે લોકો મહત્તમ સંખ્યામાં મતદાન કરે તે માટે મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તેની એક કડીના રૂપમાં અવસર અભિયાનના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અતુલ ગોરના માર્ગદર્શન અને અવસરના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિના દિશા નિર્દેશો પ્રમાણે રવિવાર તા.૨૦મી નવેમ્બરના રોજ વોટેથલોન – મતદાર જાગૃતિ દોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને મતદાન અચૂક કરોનો સંદેશ આપશે. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,વડોદરાના ડીસ્ટ્રિક્ટ કોચ સલોની પ્રસાદ દ્વારા આ મતદાન જાગૃતિ દોડનું સંકલન કરવામાં આવી રહ્યુ છે જેમાં રમતવીરો, વિવિધ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ, વ્યાયામ શિક્ષકો,રમત મંડળોના પદાધિકારીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને મતદાન દ્વારા લોકશાહીને મજબૂત કરવાનો સંદેશ આપશે.
આ મતદાન જાગૃતિ દોડને સવારના ૬.૪૫ કલાકે સયાજીબાગના ગેટ નં.૨, કાલાઘોડા સર્કલથી પ્રસ્થાન કરાવવામાં આવશે. દોડવીરો પંચમુખી મહાદેવ,કોઠી ચાર રસ્તા,જેલ રોડથી પ્રસ્થાન સ્થળે પરત આવશે.અંદાજે ૩ કિલોમીટરની દોડ મતદાન જાગૃતિ માટે લગાવવામાં આવશે. તેના આયોજનમાં શહેર પોલીસ,શિક્ષણ વિભાગ,આઈ.ટી.આઈ.સહિત વિવિધ વિભાગો,સંસ્થાઓ અને મંડળોએ સહયોગ આપ્યો છે. વડોદરા શહેર ઉપરાંત જિલ્લાની ૫ બેઠકો માટે સંબંધિત ચૂંટણી અધિકારીઓ દ્વારા તેમના વિસ્તારના તાલુકા મથકે આ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અતુલ ગોરે લોકોને આ દોડમાં જોડાઈને મતદાર જાગૃતિમાં યોગદાની બનવા અનુરોધ કર્યો છે.




