- પી. પી. સવાણી યુનિવર્સીટી ખાતે માતૃભાષા અને સંસ્કૃતિ વિષય પર પત્રકારો સાથે હર્ષદ શાહ અને ભાગ્યેશ ઝાનો સંવાદ
- સફળતા પ્રાપ્ત કરવા માટે અંગ્રેજી ભાષા જરૂરી નથી, હોશિયારી, પ્રેઝન્ટસ ઓફ માઈન્ડ હોવુ જોઈએ : ભાગ્યેશ ઝા
સુરત કોસંબા ખાતે આવેલ પી. પી. સવાણી યુનિવર્સીટી ખાતે માતૃભાષા અને સંસ્કૃતિ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
સુરત કોસંબા ખાતે આવેલ પી. પી. સવાણી યુનિવર્સીટી ખાતે તારીખ 10મી જાન્યુઆરીના રોજ 2 કલાકે માતૃભાષા અને સંસ્કૃતિ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂકેલા ભાગ્યેશ ઝાનું ચરખો અને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉપાધ્યક્ષ હર્ષદ શાહે માતૃભાષા ગૌરવ પ્રતિસ્થાનના ત્રણ લક્ષ્ય આપ્યા
વાંચે ગુજરાત અભિયાનના ઉપાધ્યક્ષ હર્ષદ શાહે સેમિનારમાં ગુજરાતી ભાષા અંગે સંબોધન કર્યું હતું. કહ્યું હતું કે આજના સમયમાં માતા પણ આંખ વહેંચીને ચશ્મા ખરીદવા જેમ પોતાના બાળકને ગુજરાતી ભાષા છોડીને અંગ્રેજી ભાષા શીખે તેમ ઈચ્છે છે. વિશ્વના માત્ર 12 રાષ્ટ્રમાં અંગ્રેજી ભાષા શીખવાડવામાં આવે છે. બાકી દરેક રાષ્ટ્ર પોતાની ભાષા જાળવી રાખે છે. ભારત માત્ર એક એવો દેશ છે જ્યા શરૂઆતથી લોકો અંગ્રેજી ભાષા શીખવવામાં આવે છે. હર્ષદ શાહે ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણી, દલપતરામ, ઉમાશંકર સહીતને યાદ કર્યા હતા. હર્ષદ શાહે માતૃભાષા ગૌરવ પ્રતિસ્થાનના ત્રણ લક્ષ્ય આપ્યા હતા. સજ્જતા, સંરક્ષણ અને સંવર્ધન. ગુજરાતી ભાષાની સજ્જતા માટે વ્યાકરણ સુવ્યસ્થિત રાખવું જોઈએ તો સંરક્ષણ માટે ગુજરાતી શાળાઓને ટકાવી રાખવી જોઈએ. સંવર્ધન માટે લોકોએ અવનવું ચિંતન કરીને માતૃભાષાને પ્રોત્સાહિત કરવી જોઈએ.
માતૃભાષાના જતન માટે 42 વોટ્સ એપ ગ્રુપ કાર્યરત
માતૃભાષાનો મહિમા જાળવી રાખવા માટે તેઓએ 42 વોટ્સ એપ ગ્રુપ કાર્યરત કર્યા છે. આ ગ્રુપમાં તેઓ રોજ ગુજરાતી સાહિત્ય, વ્યાકરણ સહિતની પોસ્ટ નાખે છે. 42 ગ્રુપ 3 હજાર શિક્ષકો છે. માતૃભાષાના જતન માટે 5 પુસ્તકો પ્રકાશિત કરવામાં આવશે. ભાષા કિરણ, ભાષા પ્રકાશ, ભાષા દિપ, ભાષા પ્રદિપ, ભાષા આદિત્ય નામની પુસ્તકના આધારે પરીક્ષા પણ લેવામાં આવશે. આ પુસ્તકો UPSC, GPSC, NET સહીતની પરીક્ષા માટે ઉપયોગી નિવડશે.
21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ કેમ ઉજવાય
વર્ષ 1947માં ભારત, પાકિસ્તાન અલગ પડ્યા તે સમયે પાકિસ્તાનના બે પૂર્વ અને પશ્ચિમ ભાગ થયા હતા. પૂર્વ ભાગ બાંગ્લાદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. ઉર્દૂ ભાષાના સંરક્ષણ માટે સરકાર ન માનતા લોકોએ આંદોલનો કર્યા હતા. વર્ષ 1952માં થયેલ આંદોલનમાં 5 યુવાનો શહિદ થયા હતા. ત્યારબાદ વર્ષ 1999માં સંયુકત રાષ્ટ્ર સંઘ(UNO)માં દરખાસ્ત મુકવામાં આવી હતી. પૂર્વ ભાગ બાંગ્લાદેશમાં તેઓએ માતૃભાષા ઉર્દૂનું અસ્તિત્વ જાળવી રાખ્યું હતું. ત્યારથી 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શાહિદ થયેલ 5 યુવાઓનું બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સ્મારક ઉભું કરવામાં આવ્યું છે. આ વર્ષે 21 થી 28 ફેબ્રુઆરી 8 દિવસ માતૃભાષા સપ્તાહ દિવસની ઉજવણી કરવામાં આવશે.
ઊંઘ ન આવે ત્યારે માં જ હાલરડું ગાય છે : ભાગ્યેશ ઝા
ISમાં માહિતી કમિશનર રહી ચૂકેલા અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાએ માતૃભાષાના જતન માટે અપીલ કરી હતી.ભાગ્યેશ ઝાએ કવિતા કહી હતી કે ગુજરાતી મારી માતા છે. તો હિન્દી માસી અને સંસ્કૃત દાદી છે. તો અંગેજી પડોશમાં રહેતી વિદેશી નારી છે. પરંતુ જ્યારે ઊંઘ ન આવે ત્યારે માં જ હાલરડું ગાય છે. આજના સમયમાં માતા બાળકોને અંગ્રેજી ભાષા શીખવાડે છે. બાળકોને વૈષ્ણવ વજન…શીખવાડવું પડશે. સફળતા પ્રાપ્ત કરવા માટે અંગ્રેજી ભાષા જરૂરી નથી, હોશિયારી, પ્રેસન્ટ ઓફ માઈન્ડ હોવુ જોઈએ તેમજ લોકોએ પોતાની માતૃભાષાનું જતન કરવું જોઈએ. સેમિનારમાં વકતા હર્ષદ શાહ, અતિથિ મહેશ ઠાકર, પત્રકારો સહિત ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂકેલા ભાગ્યેશ ઝા વિશેષ ઉપસ્થિત રહયા હતા.
5 વર્ષથી કાર્યરત છે પી પી સવાણી યુનિવર્સીટી
કોસંબા નજીક પી પી સવાણી યુનિવર્સીટી છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે અને શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન યુનિવર્સીટી દ્વારા કરવામાં આવે છે. આ કાર્યક્રમની યજમાન પી પી સવાણી યુનિવર્સીટી ભારતીય સંસ્કૃતિને જાળવી શિક્ષણનું ભાથું પીરસી રહી છે. આ કાર્યક્રમમાં યુનિવર્સીટીના કુલપતિ ડો. પરાગ સંઘાણી, ટ્રસ્ટીઓ જૈમિન રાજ્યગુરુ, જીતેન્દ્રભાઈ સોનાણી, રજિસ્ટ્રા ડો સતીશ બિરાદર, ડેપ્યુટી ડો બિદેશ પટેલ, કો ઓર્ડીનેટર નિકુંજ વ્યાસ, એડમિશન હેડ સંકેત ગુપ્તા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેઓએ પી પી સવાણી યુનિવર્સીટી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ પી પી સવાણી યુનિવર્સીટી માત્ર 5 વર્ષમાં થ્રી સ્ટાર ધરાવતી યુનિવર્સીટી બની છે. વિવિધ કોર્ષમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. જેઓને સુવિધા યુક્ત વાતાવરણ આપવામાં આવી રહ્યુ છે. અહીં અભ્યાસ કરીને બહાર નીકળેલા વિદ્યાર્થી સમાજમાં સારા વ્યકિત બને એવા પ્રયાસો કરાય છે. ઉપરાંત વિદ્યાર્થીઓનો દીક્ષા ગ્રહણ સમારોહ પણ ભારતીય સંસ્કૃતિ અનુસાર યજ્ઞ કરીને યોજવામાં આવે છે.