Published By : Aarti Machhi
- PM ઉપસ્થિતિમાં એકતા નગર ખાતે 900 જવાનોની ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડ
- રાષ્ટ્રીય એકતા પરેડ બાદ વડાપ્રધાન આરંભ : 2022 અંતર્ગત સનદી સેવાઓના 455 તાલીમાર્થી અધિકારીઓને માર્ગદર્શન આપશે
- એકતા પરેડમાં પ્રથમ વખત 24 સૂર્યકિરણ વિમાનોનો દિલધડક એર-શો સહિતના નવીન આકર્ષણો જોવા મળશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી – એકતા નગર ખાતે સોમવાર 31 મી ઓક્ટોબરના રોજ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે.PM નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે આ ઉજવણીમાં સહભાગી થઈને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે, અને વિશ્વની સૌથી ઉંચી અને વિરાટ સરદાર પટેલની પ્રતિમાની ચરણવંદના કરી તેમને રાષ્ટ્ર વતી આદર અંજલિ આપશે.
શાનદાર અને ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડમાં ગણવેશધારી દળોના 8 પ્લાટૂન જોડાશે, જેમાં BSF, હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડીશા, તેલાંગણા, ત્રિપુરા અને NCCના પ્લાટૂન ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે 54 ધ્વજ વાહકો ભાગ લેશે.આ ઉપરાંત તાજેતરમાં જે પોલીસ અધિકારી-કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે, તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ આ પરેડમાં જોડાશે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં એકતા પરેડ ઉપરાંત બેન્ડ પ્લાટૂનના પરફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની ઇવેન્ટ, ડોગ શો, કલરીપયટ્ટુ, વેપન્સ ડ્રીલ, સ્કૂલ બેન્ડ પરફોર્મન્સ અને ગુજરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અંદાજિત 385 જેટલા કુશળ કલાકારો દેશના તમામ રાજય અને સંઘ પ્રદેશોના ઉજ્વળ સાંસ્કૃતિક વારસાની નૃત્ય સાથે સંગીતમય ઝાંખી કરાવશે. આ કલાકારો વિવિધ રાજયોના આગવા વસ્ર્ત્ર પરિધાન અને પરંપરાઓની નૃત્યમય પ્રસ્તુતિ કરી અનેકતામાં એકતાનો સંદેશ ફેલાવી એક ભારત, શ્રેષ્ઠ ભારતની વિભાવનાને ચરિતાર્થ કરશે.

કેવડિયા SOU એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજ્યંતિ નિમિત્તે છેલ્લા 5 વર્ષથી શિસ્તબધ્ધ અને ભવ્ય રીતે યોજાઈ રહેલી આ પરેડનું નેતૃત્વ ડી.વાય.એસ.પી. પી. જી. ધારૈયા કરી રહયાં છે. તેમના જણાવ્યા પ્રમાણે ઉપરોકત ગણવેશધારી દળોના અંદાજે 900 થી વધુ જવાનો તેમના ગણવેશમાં એકતા પરેડમાં ભાગ લઈ સલામી આપશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં સરદાર સાહેબના અવિસ્મરણીય પ્રવચનોના અંશોનું ધ્વની પ્રસારણ પણ કરવામાં આવશે.વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય એકતા પરેડના સમાપન બાદ એકતા નગર ખાતે યોજાયેલી આરંભ : 2021 અંતર્ગત દેશની સનદી સેવાઓના 455 તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરી માર્ગદર્શન આપશે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમોનો પ્રારંભ સવારના 8 કલાકથી થશે.
એકતા નગર ખાતેની પરેડના પહેલીવારના આકર્ષણો
ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શો :
ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા આ વખતે પ્રથમવાર 24 યુધ્ધ વિમાનો સાથેનો એર શો યોજાનાર છે. જેમાં સૂર્યકિરણ ટીમના વિશ્વપ્રસિધ્ધ અને અતિ કુશળ વિમાન ચાલકો આકાશમાં રોમાંચક અને દિલધડક હવાઇ કરતબોનું નિદર્શન કરશે તે સમયે આકાશ મેઘધનુષી રંગોથી રંગાઈ જશે. નર્મદા જિલ્લા માટે આ નજરાણું પ્રથમવાર માણવા મળશે.
પરેડ મેદાનમાં જોવા મળશે રણનું જહાજ ઊંટ
ભારતીય સીમા સુરક્ષા દળ દેશની રેતાળ સરહદે સીમા રક્ષાની કપરી ફરજ બજાવે છે. તેમાં જવાનોની સાથે રણનું જહાજ ગણાતા ઊંટ બેડાની પણ ખૂબ જ અગત્યની ભૂમિકા છે. આ બેડાના શ્રેષ્ઠ અને કેળવાયેલા ઊંટો પહેલી જ વાર એકતા દિવસ પરેડમાં સહભાગી બનશે.