- અંકલેશ્વરમાં દીકરીના લગ્ન માં સ્વ. માતા મૂર્તિમંત બની આર્શીવાદ આપ્યા
અંકલેશ્વરમાં બે દીકરીઓના લગ્ન પ્રસંગમાં માતાની ખોટ ન વર્તાય માટે પિતાએ અનોખી ભેટ આપી હતી. દીકરીઓના લગ્ન પ્રસંગમાં માતાના આશીર્વાદ મળી રહે તે માટે આબેહુબ વેક્સ અને સિલિકોનની માતાની પ્રતિમા બનાવી લગ્ન પ્રસંગમાં સ્ટેજ ઉપર બિરાજમાન કરાઈ હતી.
અંકલેશ્વરના પિયુષ પટેલ પોતે સામાજિક કાર્યકર અને બિલ્ડર છે. તેઓની પત્ની દક્ષાબેનનું 2 વર્ષ પૂર્વે નિધન થયું હતું. 2 વર્ષ બાદ બે દીકરીઓ દૃષ્ટિ અને સૃષ્ટિના લગ્ન કરવા જતા હતા. પરંતુ લગ્નમાં દીકરીઓને માતાની ગેરહાજરી ન વર્તાય તે માટે તેઓએ પ્રયાસો હાથ ધર્યા હતા. માતાની હાજરીમાં લગ્ન કરવાની દીકરીઓની ઈચ્છા પૂર્ણ કરવા વડોદરા ફાઈન આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક સંજય રાજાવર અને વિદ્યાર્થી વિભા પટેલનો કોન્ટેક્ટ કર્યો હતો. આંબે નિષ્ણાંતોની મદદથી પીયૂષભાઈએ પત્નીની આબેહૂબ વેક્સ અને સિલિકોનની પ્રતિમા બનાવડાવી હતી. તેઓની પ્રતિમા બનાવવા માટે 45 દિવસની મહેનત લાગી હતી.

પુત્રીઓના લગ્ન મંડપમાં સ્ટેજ ઉપર સરપ્રાઈઝ બોક્સમાં રાખેલી માતાની પ્રતિમા પુત્રીઓએ બોક્સ ખોલતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. તો ત્યાં આમંત્રિત મહેમાનો, મિત્ર મંડળ અને પરિવારજનો પણ ભાવુક થઇ ગયા હતા. આ પ્રતિમા સ્વરૂપે માતા જીવંત હોવાનો અને માતા ખુશીથી લગ્ન પ્રસંગ માણી રહ્યા હોવાનો અનુભવ કરાવ્યો હતો.





