Published By : Aarti Machhi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 30 ઓક્ટોબરે ‘મન કી બાત’ના 94મા એપિસોડને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે ‘આજે દેશના ઘણા ભાગોમાં સૂર્ય ઉપાસનાનો મહાન તહેવાર છઠ ઉજવવામાં આવી રહ્યો છે. છઠ પર્વનો ભાગ બનવા માટે લાખો ભક્તો તેમના ગામો, તેમના ઘરો, તેમના પરિવારો સુધી પહોંચ્યા છે. હું પ્રાર્થના કરું છું કે છઠ મૈયા દરેકને સમૃદ્ધિ, દરેકનું કલ્યાણ આપે.’ તમને જણાવી દઈએ કે, ‘મન કી બાત’ કાર્યક્રમ 2014થી દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે.
પીએમ મોદીએ કહ્યું, છઠનો તહેવાર પણ ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’નું ઉદાહરણ છે. આજે બિહાર અને પૂર્વાંચલના લોકો દેશના કોઈપણ ખૂણામાં હોય ત્યાં છઠની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. દિલ્હી, મુંબઈ અને ગુજરાતના ઘણા ભાગો સહિત મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મોટા પાયે છઠનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું, ‘મિત્રો, શું તમે ક્યારેય કલ્પના કરી શકો છો કે તમે એક મહિના માટે વીજળીનો ઉપયોગ કરી શકો અને તમારા વીજળીના બિલને બદલે તમને વીજળીના પૈસા મળે? થોડા દિવસો પહેલા, તમે દેશના પ્રથમ સૂર્ય ગામ – ગુજરાતના મોઢેરા વિશે ઘણું સાંભળ્યું હશે. મોઢેરા સૂર્યા ગામના મોટાભાગના ઘરોમાં સૌર ઉર્જાથી વીજળી ઉત્પન્ન થવા લાગી છે. હવે ત્યાં ઘણા ઘરોમાં મહિનાના અંતે વીજળીનું બિલ નથી આવતું, તેના બદલે વીજળીથી કમાણીનો ચેક આવી રહ્યો છે.