Published by : Vanshika Gor
છોટાઉદેપુરમાં આવેલા કવાટ મોડેલ સ્કૂલ અને નિવાસી શાળા સહીત 6 શાળાઓના ગોઝારીયા સંકુલમાં 2300 જેટલા આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આદિવાસી વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા તેમના રહેવા જમવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે, પરંતુ આદિવાસી વિદ્યાર્થીઓને તદ્દન હલકી ગુણવત્તાનું ભોજન મળી રહ્યું છે.
આજે પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાએ આ સંકુલની આકસ્મિક મુલાકાત લીધી હતી. ધારાસભ્ય જયંતિ રાઠવાની સંકુલની મુલાકાતમાં આ વિદ્યાર્થીઓની ખૂબ જ કફોડી હાલત સામે આવી હતી. વિધાર્થીઓને જમવામાં જાડી અને સુકાઈ ગયેલ રોટલીઓ આપવામાં આવતી હોવાનું નજરે પડ્યું હતું. જે રોટલી બાળકો ખાવાનું ટાળી રહ્યા છે તો શાક પણ કાચું અને તદ્દન પાણીવાળું આપતા હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓએ કરી હતી.
ધારાસભ્ય જયંતિ રાઠવાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પૂરતું અને પોષણ યુક્ત ભોજન પણ આપવામાં આવતું ન હોવાનું જણાઈ આવ્યું હતું. તો શાળા સંકુલના રસોડામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ધારાસભ્ય જયંતિ રાઠવાએ મુલાકાત દરમિયાન આ બાબતો જોઈ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓની ગંભીરતાપૂર્વક નોંધ લઈ વિરોધ દર્શાવતા શાળા સંકુલમાં જ ધરણા પર બેસી ગયા હતા અને અધિકારીઓ, ઈજરદારો તેમજ શાળા સંચાલકો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ધારાસભ્ય જયંતિ રાઠવાએ લગાવ્યા હતા.