તહેવારોની રજાના દિવસે પરિવાર અને બાળકોની સાથે મજા માણવા નીકળેલા અનેક પરિવારના માળા મોરબીના ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી જવાની ઘટનામાં વિખેરાઈ ગયા છે. નાનાએવા બ્રિજ ઉપર મોટી સંખ્યામાં લોકો એકસાથે ઊમટી પડ્યા અને ત્યાર બાદ આ બ્રિજ તૂટી પડ્યો હતો. મોરબીના ઝૂલતા પુલની ઘટના બાદ વડોદરા તંત્ર દોડતું થયું છે. વડોદરાના નાગરવાડા વિસ્તારની જોખમી પગદંડી તોડવા કોર્પોરેશન પહોંચી ગયું હતું.

નાગરવાડા વિસ્તારોમાં કેટલાક વર્ષો પહેલા બાળકોએ ભંગાર ભેગો કરીને આ બ્રિજ બનાવ્યો હતો. છેલ્લા 50 વર્ષોથી સ્થાનિક રહીશો જીવના જોખમે અવરજવર કરતા હતા. તો બાળકો અને વૃદ્ધો આ બ્રિજ પર મગરોના સામ્રાજ્ય વચ્ચેથી પસાર થતા હતા. સ્થાનિકોએ હોબાળા કર્યા બાદ જોખમી બ્રિજ તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.