- લગ્નપ્રસંગમાં 226ને ખોરાકી ઝેરની અસર, તમામને ગોત્રી હોસ્પિટલ ખસેડાયા, પ્રસંગમાં 3 હજાર લોકો હાજર હતા.
વડોદરાના ભાયલીના પેટાપરા રાયપુરા ગામે લગ્નપ્રસંગમાં ફૂડ પોઇઝનિંગનો બનાવ બન્યો છે. જેમાં લગ્નપ્રસંગના જમણવારમાં જમતાં 226 લોકોને ખોરાકી ઝેરની અસર થતાં ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

લગ્નપ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ થયું
પેટાપરા રાયપુરા ગામમાં લગ્નપ્રસંગમાં 3000 લોકો હાજર રહ્યા હતા. રાયપુરા ગામના બળવંતસિંહ મંગળસિહ પઢિયારના ઘરે લગ્નપ્રસંગ હતો. જેમાં જમણવાર દરમિયાન લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. જેમાં મેંગો ડિલાઇટ ખાવાથી ઊલટી, પેટમાં દુઃખાવો, ઉબકા આવતા હોવાની ફરિયાદ કરી હતી. જિલ્લા કલેક્ટર અતુલ ગોર, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષીબેન ચૌહાણ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. આ બનાવને પગલે અફરાતફરી મચી ગઈ હતી.
6 દિવસ પહેલાં પણ ડોક્ટરોના એક કાર્યક્રમમાં ફૂડ પોઈઝનિંગ થયું
વડોદરા જિલ્લાના પાદરામાં ડોક્ટર દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં જ ફૂડ-પોઈઝનિંગનો બનાવ બન્યો છે. પાદરાના ગોવિંદપુરા વિસ્તારમાં ધાર્મિક પ્રસંગેમાં ખીર ખાવાને કારણે બાળકો સહિત 123 જેટલા લોકોને ફૂડ-પોઈઝનિંગની અસર થતાં અફરાતફરી મચી ગઈ હતી. ખીર ખાવાથી તબિયત બગડતાં તમામને તાત્કાલિક પાદરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જે લોકોની હાલત ખરાબ હતી તેવા લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવને પગલે આરોગ્યતંત્ર પણ દોડતું થયું હતું. આ બનાવની જાણ થતાં વડોદરા જિલ્લા કલેક્ટર પણ પાદરા સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જોકે તમામની હાલત ખતરા બહાર હોવાથી તંત્રએ રાહત અનુભવી હતી.
