Published by : Vanshika Gor
શહેરના અલગ અલગ સ્થળોએ દારૂના જથ્થાની ડિલિવરી આપે તે અગાઉ પીસીબી પોલીસની ટીમે નેશનલ હાઇવે નંબર 48 ઉપરની ક્રિષ્ના હોટલમાં રૂમ ભાડે રાખી રોકાયેલા વારસિયાના નામચીન બુટલેગર હરેશ બ્રહ્મક્ષત્રિયના ત્રણ સાગરિતો ઝડપી પાડ્યા છે. પોલીસે બે વાહનોમાંથી દારૂની રૂ. 4,22,400ની કિંમતની 88 પેટીઓ સાથે રૂ. 9.42 લાખ ઉપરાતનો મુદ્દામાલ કબજે કરી મુખ્ય સૂત્રધાર સહિત સાત શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.
શહેર પોલીસની પીસીબી ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, વારસિયાનો નામચીન બુટલેગર હરેશ ચંદ્રકાંત બ્રહ્મક્ષત્રિય નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલ ક્રિષ્ણા પેલેસ નામની હોટલમાં રૂમ બુક કરાવી પોતાના માણસો સાથે રોકાયો છે. છોટા હાથી ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી રાજ એસ્ટેટના કમ્પાઉન્ડમાં પોતાની કારમાં માણસો મારફતે ગ્રાહકોને ડિલિવરી આપવાનો છે. જે બંને વાહનો રાજ એસ્ટેટના કમ્પાઉન્ડમાં પાર્ક છે.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડી હરેશ બ્રહ્મક્ષત્રિયના નામે બુક કરાયેલ રૂમમાં તપાસ કરતા શક્તિસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ, વરૂણ ઉર્ફે જેટલી નંદલાલ હેમાણી અને જગદીરાસિંગ મોહનસિંગ ચૌહાણ ને ઝડપી પાડ્યા હતા. છોટા હાથી ટેમ્પો માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 83 તથા કારમાંથી 04 પેટીમાંથી રૂ. 4,22,400ની કિંમતની 1056 બોટલો મળી આવી હતી પોલીસે દારૂનો જથ્થો, બે વાહનો ચાર મોબાઈલ ફોન સહિત કુલ રૂ.9,42,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આ દારૂનો જથ્થો હરેશ બ્રહ્મક્ષત્રિય મારફતે દશરથ હાઇવે સર્વિસ રોડ ઉપરથી આયસર ટેમ્પોમાંથી મેળવી 20 પેટી માંજલપુરના ઈસમને, 15 પેટી ગોરવા વાળા ટેણીને, 10 પેટી પંડ્યા બ્રિજવાળા કટેને, 10 પેટી ગાજરવાડીના ચિરાગ વણઝારાને આપવાની આરોપીઓએ કબુલાત કરી હતી. છાણી પોલીસે ત્રણેય આરોપીઓની પ્રોહીબિશનના ગુનામાં અટકાયત કરી મુખ્ય સૂત્રધાર બે ટેમ્પો ચાલક સહિત સાત શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.