Published by : Vanshika Gor
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ગત રાત્રે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટીના કર્મચારીઓને પશુપાલકો માર મારી ઢોર છોડાવી ગયા હતા. એટલું જ નહીં ત્યાં આવી ચડેલા કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડે તો ઢોર પાર્ટીના કર્મચારીઓને ખુલ્લેઆમ ગાળો ભાંડી હતી.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તે રખડતાં ઢોરને પકડવાની કામગીરી દિવસની સાથે રાત્રે પણ કરવામાં આવી રહી છે.
ત્યારે ગત રાત્રે ઢોર ડબ્બા શાખામાં માર્કેટ સુપરવાઇઝર પ્રદીપ નામદેવ લોખંડે ટીમ સાથે ફતેગંજ વિસ્તારમાં રસ્તે રખડતાં ઢોરને પકડવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને માહિતી મળી હતી કે, છાણી ગુરુદ્વારા સામે રોડ પર ગાયો બેઠેલી છે. જેથી તેઓ વર્ધીવાળી જગ્યાએ જતા હતા, ત્યારે મિલિટરી બોયઝ ચાર રસ્તા પાસે એક ગાય જાહેર રોડ પર રખડતી જોવા મળતા તેને દોરડા વડે બોલેરો ગાડી સાથે બાંધી હતી અને ટ્રેક્ટરની રાહ જોતા હતા.દરમિયાન ગાયનો માલિક નંદુ ભરવાડ અને સાતથી આઠ જેટલા માલધારી ત્યાં આવી પહોંચ્યા હતા અને ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી. જેમાંથી એક શખ્સે ઢોર પાર્ટીના રોહન ગણેશભાઇ લોખંડેને પગમાં લાકડી મારી હતી. તેમજ નંદુ ભરવાડે પ્રદીપ લોખંડેને પણ માર માર્યો હતો. તેમજ પકડેલી ગાયને છોડાવી ગયા હતા.
કોર્પોરેશનની ટીમ અને માલધારીઓ વચ્ચે ઝપાઝપી થઇ રહી હતી, ત્યારે ત્યાં વોર્ડ નંબર-1ના કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડ ત્યાં આવી પહોંચ્યા હતા. એટલું જ નહીં જહા ભરવાડે કોર્પોરેશનની ઢોર પાર્ટીના માણસોને રીતસરની ગોળો ભાંડી હતી. જેનો વીડિયો પણ ત્યાં હાજર લોકોએ બનાવ્યો હતો.આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે મારામારી કરનારની અટકાયત કરી છે.
(ઈનપુટ:જીતેન્દ્ર રાજપૂત)