- જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રવાસીઓ મળી શકશે ટેન્ટ સિટીની મજા
- ગંગાના ઘાટની સામે બનશે 600 ટેન્ટ
બાબા વિશ્વનાથના શહેર બનારસમાં ગંગાની પાર રેતી પર ટેન્ટ સિટીનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. નવા વર્ષમાં એટલે કે, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રવાસીઓ ઐતિહાસિક ઘાટની સામે ટેન્ટ સિટીમાં લક્ઝરી સુવિધાઓનો આનંદ માણી શકશે. અસ્સીથી દશાશ્વમેધ ઘાટની સામેની બાજુએ સ્થપાઈ રહેલા ટેન્ટ સિટી માટે 100 એકર જમીન પર સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટી સહિત 13 વિભાગો તેને નક્કર આકાર આપવા માટે કામ કરી રહ્યા છે. આ ટેન્ટ સિટી બનાવવાનું કામ બે ફર્મને આપવામાં આવ્યું છે. જેઓ અહીં કુલ 600 ટેન્ટ બનાવશે.
ઓથોરિટીના વાઈસ પ્રેસિડેન્ટ અભિષેક ગોયલે જણાવ્યું કે, આ ટેન્ટ સિટીમાં રિવર કોટેજની સાથે રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, યોગ સેન્ટર, આર્ટ ગેલેરી, ક્રાફ્ટ માર્કેટ અને અન્ય ઘણી સુવિધાઓ હશે. આ ઉપરાંત પ્રવાસીઓ અહીં વોટર સ્પોર્ટ્સ, ઊંટ અને ઘોડેસવારીની મજા પણ માણી શકશે. આ ટેન્ટ સિટીમાં અનેક પ્રકારના ટેન્ટ લગાવવામાં આવશે અને ભાડું સુવિધા અનુસાર હશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેને તૈયાર કરનારી કંપનીઓ પ્રવાસીઓ પાસેથી 5 હજારથી 20 હજાર સુધીનું ભાડું વસૂલશે. ઓફ સીઝનમાં પણ આ વખતે વારાણસીમાં સારી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળ્યા હતા. જાન્યુઆરી મહિનામાં પર્યટનમાં વધુ વધારો જોવા મળી રહે છે. તેથી નવા વર્ષમાં આ ટેન્ટ સિટી તૈયાર થયા બાદ લોકો અહીં સરળતાથી રૂમ બુક કરાવી શકશે.