Published by : Vanshika Gor
ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પહેલીવાર વિધાનસભા પરિસરમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી છે. પરિસરમાં લોકનૃત્ય સાથે ધારાસભ્યો ધૂળેટી રમતા જોવા મળ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતના ધારાસભ્યોએ ધૂળેટી રમી હતી.વિધાનસભા પરિસરમાં રાજસ્થાન અને બનાસકાંઠામાં જોવા મળતું પરંપરાગત લાઠી નૃત્ય કલાકારો દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં અનેક ધારાસભ્યોએ ભાગ લીધો હતો.
જીતુ વાઘાણીએ પણ હાથમાં લાકડી પકડીને અનોખી રીતે લાઠી ડાન્સમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત વિધાનસભા પરિસરમાં આદિવાસી નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.વિધાનસભા અધ્યક્ષ દ્વારા મંજૂરી આપવામાં આવ્યા બાદ રંગોત્સવ અને નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જીતુ વાઘાણીએ ઢોલ વગાડ્યો હતો. પરિસરમાં રંગોત્સવની ઉજવણી કરવા માટે 100 કિલોથી વધુ કેસૂડાના ફૂલ મંગાવાયા હતા.
કેસુડામાં કેસરિયો હોવાથી કોંગ્રેસ ગેરહાજરઃ હાર્દિક પટેલ
વિધાનસભાના રંગોત્સવમાં ઉપસ્થિત વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસે આ રંગોત્સવમાં ભાગ નહીં લઇને હોળની સંસ્કૃતિનો વિરોધ કર્યો છે. કેસૂડાનો રંગ કેસરિયો હોવાથી કોંગ્રેસ આ રંગોત્સવમાં ગેરહાજર રહી છે.