Published by : Vanshika Gor
સંસદનું બજેટસત્ર આજથી શરૂ થવા જઇ રહ્યું છે. બજેટસત્ર શરૂ થાય તે પહેલા ગઈકાલે સર્વપક્ષીય બેઠક યોજવામાં આવી હતી. સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી હાજર રહી ન હતી. આજે બજેટસત્ર હંગામાભર્યું રહેવાની શક્યતાઓ છે. આજે 11 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણની સાથે બજેટસત્ર શરૂ થશે. આજે રાષ્ટ્રપતિ બંને ગૃહોને સંબોધન કરશે.
વિપક્ષ વિવિધ મુદ્દે સરકારને ઘેરશે
આજે બજેટ સત્ર દરમિયાન સંસદમાં સરકારનું ધ્યાન રાષ્ટ્રપતિના અભિભાષણ અને નાણાકીય વર્ષ 2023-24ના સામાન્ય બજેટ પર આભાર પ્રસ્તાવ પર પર રહેશે. બીજી તરફ વિરોધ પક્ષોએ અદાણી જૂથ, કેટલાક રાજ્યોમાં રાજ્યપાલોની કામગીરી, જાતિ આધારિત વસ્તીગણતરી, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની સંભાવના છે. સરકાર સત્ર દરમિયાન સંસદમાં આર્થિક સર્વે રજૂ કરશે.
આવતીકાલે નાણામંત્રી કેન્દ્રિય બજેટ રજૂ કરશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023ના રોજ નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ સત્રનો પહેલો તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 13 માર્ચથી શરૂ થઈને 6 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન 27 બેઠકો થશે.