Published By : Parul Patel
હિન્દુ ધર્મમાં હનુમાનજીનું એક અનેરું સ્થાન છે. એમના મંદિર દરેક ગામમાં હોય છે, પરંતુ ક્યારેય એવું નથી જોયું કે એમની સાથે એમનો પુત્ર પણ હોય.
હનુમાનજી બ્રહ્મચારી હતા. ભારતમાં એવા ઘણા સ્થળો છે જેનો પુરાણોમાં ઇતિહાસ છે. એવું જ એક મંદિર ભારતના પશ્ચિમ છેવાડે અરબી સમુદ્રના કાંઠે બેટ દ્વારકાથી 5 કિ.મી દૂર પૂર્વમાં હનુમાનનું પુરાણું પ્રસિદ્ધ હનુમાન દાંડી મંદિર આવેલું છે. આ મંદિરના ગર્ભગૃહમાં એક તરફ હનુમાનજી અને તેમની બાજુમાં મકરધ્વજ છે. કહેવાય છે કે હનુમાનજી પ્રથમ વખત પોતાના પુત્ર મકરધ્વજને આ સ્થળે મળ્યા હતા. મૂર્તિમાં મકરધ્વજે એક રાક્ષસને પોતાની નીચે દબાવીને રાખ્યો છે. બંને પાસે ગદા નથી અને આનંદમાં પ્રતિત થાય છે તેથી જ આ મંદિર ‘દાંડી હનુમાન’ તરીકે પણ પ્રસિદ્ધ છે. અહીં હનુમાનજીની સાથે માકરઘ્વજની પણ પૂજા કરવામાં આવે છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/BetDwarakaDandiTemple.gif)
હનુમાનની મૂર્તિ વાનરરૂપ નહીં, પણ માનવરૂપ જેવી છે. અહીં પિતા – પુત્ર બંનેની પૂજા કરવામાં આવે છે અને સોપારીનો પ્રસાદ કરવામાં આવે છે. એની પાછળ પણ એક માન્યતા એવી છે કે વર્ષો પહેલાં અહીંથી પસાર થનારા મોટા ભાગનાં વહાણોમાં સોપારીની નિકાસ થતી હોવાથી ખારવાઓ દર્શન કરવા આવે ત્યારે સોપારી ચઢાવતા હતા. કહેવાય છે કે અહીં ચઢાવવામાં આવેલી સોપારીનો પ્રસાદ ખાવાથી મહિલાઓને ડિલિવરીમાં તકલીફ ઓછી થાય છે. હાલ તો અહીં શ્રીમંત લોકો સોના અને ચાંદીની ચોપારી પણ ચઢાવવા લાગ્યા છે.
આ બંનેની મૂર્તિઓની વિશેષતા એ છે કે ત્યાં તેમની પાસે કોઈ શસ્ત્ર નથી. લોકવાયકા મુજબ દર વર્ષે હનુમાન દાદાની મૂર્તિ એક ચોખાના દાણા જેટલી જમીનની અંદર જાય છે, અને દર વર્ષે મકરધ્વજની મુર્તિ ચોખાના દાણા જેટલી બહાર આવે છે. આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે જયારે સંપૂર્ણ મૂર્તિ બહાર આવી જશે ત્યારે સતયુગની શરૂઆત થશે.
પૌરાણિક કથા મુજબ, અહિરાવણ શ્રીરામ અને લક્ષ્મણને દેવીની સમક્ષ બલિ ચઢાવવા માટે પાતાળમાં લઈ ગયા હતા. ત્યારે હનુમાનજી તેમને છોડાવવા માટે પાતાળમાં ગયા હતા. અહિરાવણના પહેરદાર હનુમાનનો પુત્ર મકરધ્વજ હતો. આ દરમિયાન બન્ને પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ થયું હતું. ત્યારે વચ્ચે માછલી એ આવી જણાવ્યું કે મકરધ્વજ તેમનો પુત્ર છે. ત્યાર બાદ મકરધ્વજે પોતાની ઉત્પત્તિની કથા હનુમાનજીને સંભળાવી હતી. જેથી તેમણે અહિરાવણનો વધ કરી રામ અને લક્ષ્મણને મુક્ત કરાવ્યા હતા.
આ વિશે રામાયણમાં ઉલ્લેખ છે કે હનુમાનજી જન્મથી જ બ્રહ્મચારી હતા છતાં તેમને પુત્ર હતો. હનુમાનજીએ જ્યારે પૂંછમાં આગ લગાવીને આખી લંકા સળગાવી હતી ત્યારબાદ તેઓ નહાવા માટે દરિયામાં ગયા હતા. આ દરમિયાન તેમના પરસેવાનું એક ટીપું એક શક્તિશાળી માદા મગરના પેટમાં ગયું હતું અને ગર્ભવતી થઈ હતી. આ મગર પાતાળ લોકના રાજા અહિરાવણ કે જે લંકાપતિ રાવણના ભાઈ હતા તેના માણસોએ પકડી લીધી. પાતાળ લોકમાં મગરના પેટમાંથી મકરધ્વજ મળ્યા. અહિરાવણે મકરધ્વજની તાકાત અને બુદ્ધિને જોતા પોતાના રાજ્ય પાતાળ લોકના દ્વારની રક્ષા કરવાની ફરજ સોંપી હતી. જ્યારે અહિરાવણ ભગવાન શ્રીરામ તેમજ લક્ષ્મણને પાતાળ લોક લઈ ગયા ત્યારે હનુમાનજી પણ તેમની પાછળ પાતાળપુરી પહોંચ્યા હતા અને પિતા પુત્ર નું મિલન થયું હતું.