Published by : Anu Shukla
- દવાની કંપનીઓએ દવાની સલામતી અને ગુણવત્તા સરકારને કરવી પડશે શેર
- તપાસમાં દોષી સાબિત થનાર કંપની સામે થશે કડક કાર્યવાહી
સરકારે રસીની ફેક્ટરીઓ અને તમામ દવાઓમાં ફાર્માકોવિજિલન્સ સિસ્ટમ સ્થાપિત કરવા પર ભાર મૂક્યો છે. ન્યૂ ડ્રગ્સ એન્ડ ક્લિનિકલ ટ્રાયલ્સ 2019 એક્ટ હેઠળ, દરેક દવા ઉત્પાદક કંપનીએ ફાર્માકોવિજિલન્સ સિસ્ટમ શરૂ કરવી પડશે. જેમાં મેડિકલ ઓફિસર અને ફાર્માસિસ્ટ હશે. તેઓ દર મહિને તેમના ઉત્પાદનોની સલામતી, ગુણવત્તા અને પ્રતિકૂળ અસરો વિશે માહિતી એકત્રિત કરશે અને સરકાર સાથે શેર કરશે. સરકાર તેમના રિપોર્ટ પર ઓડિટ કરાવશે અને જો તપાસમાં દોષી સાબિત થશે તો કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, દેશમાં 4,500 થી વધુ દવા અને રસી બનાવતી કંપનીઓ છે. જેમાં 10,500 થી વધુ ફેક્ટરીઓ છે. 23 ડિસેમ્બરના રોજ, ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ, ડો. વી.જી. સોમાણીએ દવા, રસીનું ઉત્પાદન અને નિકાસ કરતી કંપનીઓને ફાર્માકોવિજિલન્સ સિસ્ટમ વિશે માહિતી માંગતો આદેશ જારી કર્યો હતો. તેમણે આદેશમાં કહ્યું છે કે, ફાર્માકોવિજિલન્સ સિસ્ટમની સ્થાપનાનો સારાંશ વહેલી તકે ઉપલબ્ધ કરાવવો જોઈએ. તેમજ આ સાથે સંકળાયેલા અધિકારીઓ, મેડિકલ ઓફિસર અને ફાર્માસિસ્ટના નામ, ઓળખ, સંપર્કો પણ શેર કરવા જોઈએ. જેથી ભવિષ્યમાં તેમની પાસેથી દવાની સલામતી અંગેની માહિતી મેળવી શકાય.