Published by : Anu Shukla
- માત્ર 4 ગાયનું રોજ 1 હજાર લિટર દૂધ..
વિવિઘ પ્રકારના ભ્રષ્ટાચાર કોભાંડ બાદ હવે સહકારી ડેરીમાં દૂધ ભરવા અંગે પણ મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો સપાટી પર આવતા સહકારી દૂધ ક્ષેત્રમા પણ સોપો પડી ગયો છે. સહકારી ક્ષેત્રમા સફેદ દૂધના કાળા ભ્રષ્ટાચારની વિગત જોતા રૂદણનો પશુપાલક રાજસ્થાન બોર્ડર પરથી લાવેલા દૂધમાં ભેળસેળ કરી અમૂલમાં ભરતો હતો.
દૂધની એફએસએલમાં ચકાસણી બાદ પોલીસ કાર્યવાહી કરવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે
મહેમદાવાદ તાલુકાના રૂદણનો પશુપાલક માત્ર ચાર ગાય ધરાવતો હોવા છતાં રોજ અમૂલ ડેરીમાં 1 હજાર લિટર દૂધ ભરતો હોવાનું તપાસમાં ઝડપાયું છે. પશુપાલક દ્વારા ભેળસેળ કરાતી હોવાની શંકાએ દૂધનું ટેસ્ટિંગ કરાશે. તેમજ પોલીસ ફરિયાદ પણ નોંધાશે. અમૂલમાં સભાસદો પોતાના જ પશુનું દૂધ ભરી શકે છે. બહારના રાજયોનું દૂધ ભરી શકાતુ નથી તેવો નિયમ છે.
સહકારી ક્ષેત્રની અમૂલ ડેરીમાં દૈનિક 30 લાખ લીટર દૂધની આવક થાય છે. છેલ્લા કેટલાંક સમયથી દૂધ આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવા અમૂલમાં ભેળસેળિયું દૂધ આવતું હોવાની ફરિયાદો ઉઠતા ચેરમેન વિપુલ પટેલે મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામે એક જ પશુપાલક રોજ 1 હજાર લિટર દુધ ભરતો હોવાની માહિતી મળતા તપાસ કરવા સૂચના આપી હતી. અમૂલની ટીમે પોલીસને સાથે રાખી શુક્રવારે સ્થળ તપાસ કરતા પશુપાલક રાજુભાઇ લાલજીભાઇ રબારીના તબેલામાં માત્ર 4 ગાય જોવા મળી હતી. તેમ છતાં તે દૈનિક 1000 લીટર દૂધ ગામની ડેરીમાં ભરતો હતો. પૂછતાછ કરતાં પશુપાલકે જણાવ્યું હતું કે ગુજરાત-રાજસ્થાન બોર્ડ પર આવેલા ગામોમાંથી ઓછી ગુણવતાવાળુ દૂધ લાવી ભેળસેળ કરી અમૂલમાં ભરતો હતો. સભાસદ દૈનિક બહારથી હલકી ગુણવતાનું દૂધ ભરતો હોવાનું જણાતા અમૂલ દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.