સામાન્ય રીતે આપણે એકવાર કોઈ વસ્તુ તેલમાં તળીએ છીએ, બાદમાં ફરીથી એનો ઉપયોગ કરીએ છીએ. વધારે વખત તેલને ગરમ કરવામાં આવે તો ફાયદો થવાને બદલે નુકસાનકારક પણ સાબિત થઇ શકે છે, જેને પગલે શરીરમાં ‘જિનોટોક્સિક”મ્યૂટેજેનિક’ અને ‘કાર્સિનોજેનિક’ વધે છે. રિસર્ચ અનુસાર, આ પ્રકારના તેલના કારણે સેલ્સમાં પણ ગડબડ થાય છે. આ તેલ વધુ ખાવામાં આવે તો ફેફસાં, આંતરડાં, બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધી જાય છે. દુનિયામાં વધારે વખત તેલને ગરમ કરવા પર અનેક રિસર્ચ કરાયા છે.
વધુ સમય સુધી ગરમ કરેલા તેલનો ધુમાડો શ્વાસમાં જાય તો અનેક બીમારીઓ થઈ શકે છે. કૂકિંગ તેલના ધુમાડામાં 200થી વધુ પ્રકારનાં ગેસ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ફેટી એસિડ ધરાવતો આ ધુમાડો ન્યુમોનિયા તેમજ ફેફસાંના કેન્સર, ટ્યૂબરક્યુલોસિસ, અસ્થમા જેવા ફેફસાંના ગંભીર રોગો થઈ શકે છે.
એકવાર વપરાયેલા તેલનો ઉપયોગ બીજી વાર ઘરોમાં ઓછો કરવામાં આવે છે પરંતુ 60 ટકા ઘરો, હોટલો અને ઢાબાઓમાં તળવા માટે ફરીથી ઉપયોગ કરાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના એક રિપોર્ટ અનુસાર, જે મહિલાઓ તેમની દૈનિક કેલરીના 2% કરતાં વધુ ટ્રાન્સ ફેટના રૂપમાં લે છે તેમને વંધ્યત્વનું જોખમ 79 ટકા સુધી વધી જાય છે. આ ટ્રાન્સ ફેટ સૂર્યમુખી તેલ, સોયાબીન તેલ, મગફળી તેલ અને કેનોલા તેલમાં નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળે છે.
ભારતમાં ફરસાણ પામ ઓઇલમાંથી જ બનાવવામાં આવે છે. આ કંપનીઓ જ્યારે અમેરિકા જેવા દેશોમાં જાય છે ત્યારે સારા તેલનો ઉપયોગ કરે છે. પામ ઓઇલની સેચ્યુરેટેડ ફેટ લિવરમાં જમા થાય છે, જેનાથી અનેક બીમારીઓ થાય છે. તમિલનાડુમાં ફૂડ સેફટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે પણ આ પ્રકારના તેલનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી છે. નાળિયેર તેલમાં ચરબી અને પામિટિક એસિડ વધુ હોય છે, જે લોહીમાં ખરાબ કોલેસ્ટેરોલને વધારે છે, જે હૃદયની ધમનીઓમાં અવરોધનું મુખ્ય કારણ છે.
અમેરિકામાં કેન્સર પર સંશોધન કરી રહેલા વરિષ્ઠ વૈજ્ઞાનિક મહેન્દ્ર કે.સિંહે જણાવ્યું હતું કે એકવાર તેલને વધારે આંચ પર ગરમ કર્યા પછી બાકીના તેલનો ફરીથી ઉપયોગ કરશો નહીં. એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઓલિવ ઓઇલ અને મેડેટેરેનિયમ ડાયટ સૌથી બેસ્ટ માનવામાં આવે છે.