Published By : Disha PJB
સુરતમાં પ્રેમ લગ્ન કરનાર બહેનની પિતરાઈ ભાઈએ પીઠીના દિવસે ચપ્પુના ઘા જીકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. લીંબાયત વિસ્તારમાં આવેલ આર.ડી. ફાટક પાસે આવેલી રામેશ્વરનગરમાં રહેતી કલ્યાણી રવિન્દ્ર પાટીલની તેમના પિતરાઈ ભાઈએ પરિવારની સામે જ તેની પીઠી ચોરાઈ રહી હતી ત્યારે અચાનક આવી ત્યાં હત્યા કરી નાખી હતી. જોકે આ ઘટના થતા જ હુમલાખોર હેમંતને પકડી પાડી પોલીસના હવાલે કરી દીધો હતો. જ્યારે કલ્યાણીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
લિંબાયત પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ લીંબાયત વિસ્તારમાં આવેલ આર.ડી. ફાટક પાસે આવેલી રામેશ્વરનગરમાં રહેતી કલ્યાણી રવિન્દ્ર પાટીલ જેઓને તેમના જ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર મહાજન સાથે પ્રેમ થયો હતો.અને આ પ્રેમ સંબંધની જાણ પરીવારને થઇ જતા જાતિ અલગ હોવાથી લગ્નનો વિરોધ કર્યો હતો. આ વાતને લઈને આરોપી પિતરાઈ ભાઈ હેમંત સોનવણે સખત વિરોધ કરી રહ્યો હતો અને તેણે લગ્ન કરવા માટે ના કહ્યું હતું. પરંતુ કલ્યાણી માની ન હતી અને પરિવારની મરજી વિરૂદ્ધ જઈ એકાદ મહિના પહેલા પ્રેમી સાથે ભાગીને લગ્રન કર્યા હતા પરંતુ ત્યારબાદ થોડા દિવસો બાદ ઘર પરત આવતા બંને પરિવારો એક સાથે બેસીને બંનેના વિધિવત્ લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/06/IMG-20230627-WA0010-768x1024.jpg)
જયારે ગઈકાલે બંનેની પીઠી હતી અને આજે તેમના લગ્ન હતા. ગઈકાલે જયારે કલ્યાણીની પીઠી ચોળવામાં આવતી હતી ત્યારે આરોપી પિતરાઈ ભાઈ હેમંત સોનવણે મંડપમાં આવી અચાનક જ કલ્યાણીના પેટમાં ચપ્પુના ઘા મારી દીધા હતા. આ જોઈ લોકો બુમાબુમ કરવા લાગ્યા હતા તો બીજી બાજું પરિવારે હેમંતને પકડી રાખ્યો હતો. અને કલ્યાણી ઈજાગ્રસ્ત હાલતમાં જમીન ઉપર ઢળી પડી હતી. તેને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં કલ્યાણીનું ટૂંકી સારવાર મોત નિપજ્યું હતું.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.