- અત્યાર સુધીમાં 100 લોકોને મળી મોતની સજા
સરકાર દ્વારા કરવામાં આવી રહેલા દમન સામે ઈરાનમાં લોકોએ હિંસક દેખાવો શરૂ કર્યા છે. ઈરાનમાં હિજાબ બાદ હવે ઈસ્લામિક શાસન સામે વિરોધનો તબક્કો શરૂ થઈ ગયો છે. લોકો સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખોમેની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ઝાહેદાનમાં ‘તાનાશાહને મોત, ખોમેનીને મોત’ના નારા લગાવવામાં આવ્યા હતા. લોકોની માંગ છે કે ખોમેનીને ફાંસીની સજા આપવામાં આવે. તે જ સમયે, મહિલા પ્રદર્શનકારીઓએ કહ્યું કે અમને એવી સરકાર નથી જોઈતી, જે બાળકોને મારી નાખે. માનવાધિકાર જૂથોનો દાવો છે કે અત્યાર સુધીમાં 100 વિરોધીઓને મોતની સજા આપવામાં આવી છે.
વિરોધીઓનું કહેવું છે કે હવે આ લડાઈ માત્ર ફરજિયાત હિજાબને ખતમ કરવાની નથી, પરંતુ ઈસ્લામિક શાસનને ખતમ કરવાની છે. અમે મહિલાઓ માટે સંપૂર્ણ અને લોકતાંત્રિક અધિકારોની માંગ કરી રહ્યા છીએ. જ્યાં સુધી અધિકાર નહીં મળે ત્યાં સુધી અમે રસ્તા પર ઉતરીને આંદોલન ચાલુ રાખીશું. ઈરાનમાં 22 વર્ષીય મોહમ્મદ ગોબાદલુને કોર્ટે મોતની સજા સંભળાવી છે. તેમણે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ધરપકડ કર્યા બાદ તેને ટોર્ચર કરવામાં આવ્યો હતો. ન્યાયાધીશે કોર્ટમાં તેનો બચાવ કરવા માટે વકીલ આપ્યા વિના તેને મૃત્યુદંડની સજા સંભળાવી હતી.