એકમુખી રુદ્રાક્ષ એ સાક્ષાત્ શિવનું જ સ્વરૂપ છે. આ રુદ્રાક્ષની શક્તિ અલૌકિક અને અદ્ભુત છે. આ રુદ્રાક્ષનું મહત્ત્વ અન્ય રુદ્રાક્ષ કરતાં વધુ છે. જ્યારે કોઈ મનુષ્ય આ રુદ્રાક્ષ ધારણ કરે છે ત્યારે તેની માનસિક ક્ષમતા તેમજ તેની વિચારધારામાં પણ ખૂબ જ બદલાવ જોવા મળે છે. આ સાથે જ તેના બદલાવની ઝલક તેના વ્યવહારમાં જોવા મળે છે.આમ તો, ઘણાં વિદ્વાનો એવું માને છે કે, એકમુખી રુદ્રાક્ષ સંસારિક મનુષ્ય પહેરે તો તેનામાં વૈરાગ્યનો ભાવ આવી જાય છે. પરંતુ પુરાણોમાં કહેવાયા મુજબ, સંસારિક મનુષ્ય પણ આ રુદ્રાક્ષ પહેરે તો તેને શુભફળ મળે જ છે.
એકમુખી રુદ્રાક્ષ પ્રબળ એકાગ્રતા પ્રદાન કરે છે. એટલે જો તમે આ રુદ્રાક્ષ ધારણ કરતી વખતે જેવો વિચાર માનસમાં રાખ્યો હશે તે વિચારધારને આગળ વધારશે. એટલે જ શાસ્ત્રોમાં આ રુદ્રાક્ષ ધારણ કરતી વખતે સકારાત્મક જ રહેવું તે ખૂબ જરૂરી છે. એકમુખી રુદ્રાક્ષ દરેક વ્યક્તિ માટે અલગ અલગ અસર કરતો જોવા મળ્યો છે. હા, પણ તે હંમેશા શુભફળ જ આપે છે.

એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવાની ઇચ્છા રાખનાર તમામ વ્યક્તિએ તેના નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એકમુખી રુદ્રાક્ષ ખૂબ જ ઓછી માત્રામાં મળે છે. જ્યોતિષો પણ ગ્રહોના શુભફળ મેળવવા માટે તથા નડતા ગ્રહોથી બચવા માટેના ઉપાયમાં રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ આપતા હોય છે. એકમુખી રુદ્રાક્ષ ધારણ કરનારને સૂર્ય દેવની વિશિષ્ટ કૃપા મળે છે. જેની કુંડલીમાં સૂર્યની સ્થિતિ સારી ન હોય તેવો વ્યક્તિ પણ આ રુદ્રાક્ષ ધારણ કરી શકે છે.
એકમુખી રુદ્રાક્ષ સર્વસિદ્ધિપ્રદાતા માનવામાં આવે છે. આ સાત્વિક શક્તિમાં વૃદ્ધિ કરનાર અને મોક્ષ આપનારો છે. એવી માન્યતા છે કે, જે વ્યક્તિના ઘરમાં રુદ્રાક્ષ હોય ત્યાં લક્ષ્મી સદૈવ સ્થિર રહે છે. તથા તેના ઘરમાં ધન-ધાન્ય, વૈભવ-પ્રતિષ્ઠા અને દૈવીય કૃપા ભરપૂર રહે છે.




