- અરજીના નિકાલ માટે લાંચના નાણાં આંગડિયા મારફતે ગાંધીનગર મોકલાવાયા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનાં નરખડી ગામના તલાટી કમ મંત્રી રૂ. 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે. તલાટીએ ફરિયાદી પાસે અરજીના નિકાલ માટે આંગડિયા મારફતે રૂ. 1 લાખ ગાંધીનગર ખાતે પોતાના સાગરીતને મોકલવા જણાવ્યુ હતું એસીબીએ તલાટી તથા તેઓના સાગરીતને ઝડપી પાડ્યા છે.

મળતી વિગતો અનુસાર નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં ફરિયાદીની ખેતીની જમીન આવેલી છે. આ ખેતીની જમીનમાં ખેતીને લગત બીયારણ, ખાતર જેવો સરસામાન મુકવા તેમજ મજુરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવેલ, જેમાં વિજ મીટરની જરુરીયાત હોવાથી નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજુરી મેળવવા અરજી કરવામાં આવી હતી. જે કાર્યવાહી કરવાના અવેજ પેટે ગામના તલાટિ નિતાબહેન પટેલે ફરીયાદી તથા સાહેદ પાસે રૂ. ૧,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ અને તે લાંચની રકમ આંગડીયા મારફતે ગાંધીનગર મહેશ અહજોલીયા નામક વ્યક્તિને આપવા જણાવ્યુ હતું. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી, ફરીયાદ આપતા તા.૨૨.૦૯.૨૦૨૨ના રોજ લાંચના છટકા ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ફરીયાદીએ સુરતથી આંગડીયા મારફતે મોકલાવેલ રૂપિયા ૧,૦૦,૦૦૦/- લાંચની રકમ ગાંધીનગર આંગડીયાની ઓફિસ ખાતેથી તલાટિના સાગરીતે આ લાંચની રકમ સ્વીકારી હતી. એસીબીએ તલાટી તથા તેઓના સાગરિતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(ઈનપુટ : દિપક પટેલ, નર્મદા)