- નેટફ્લિક્સ પર આવશે આ સ્ટોરી
ભરચક કોર્ટમાં 200 મહિલાઓએ જેને રહેંસી નાખ્યો, ગુપ્તાંગ કાપી નાખ્યું અને ખૂંખાર ગુનેગારને મોતના હવાલે કર્યો તેજ સમયે નાગપુરની આખી ઝૂંપડપટ્ટીમાં પછી જશ્નનો માહોલ હતો.
નાગપુર : આ સત્ય ઘટના છે. તા 13 ઓગસ્ટ 2004. બપોરના અઢી વાગ્યાના સુમારે નાગપુરની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અજંપાભરેલું વાતવરણ હતું. આશરે બસ્સો જેટલી મહિલાઓ મોંએ બુકાની બાંધીને કોર્ટમાં આવીને બેસી ગઈ હતી થોડીવારમાં પોલીસ એક આરોપીને રજૂ કરવા માટે કોર્ટરૂમમાં પ્રવેશી. અને મહિલાઓએ આંખના ઇશારે એકબીજા સાથે સંકલન કરી અને તે આરોપી પર મરચાના ભૂકાનો વરસાદ વરસાવ્યો. અચાનક થયેલા આ હલ્લાથી ડઘાઈ ગયેલી પોલીસ પાછળ હટી ગઈ હતી મહિલાઓએ તે આરોપીને ઘેરી લીધો હતો અને 200 જેટલી મહિલાઓએ સાડીની અંદર છુપાવેલા છરા બહાર કાઢ્યા. તે સ્ત્રીઓએ નક્કી કરેલું કે દરેકે તે નરાધમના શરીરમાં કમ સે કમ એક વખત તો છરો હુલાવવો. આરોપી ચીસો પાડતો રહ્યો હતો કે, ‘મને માફ કરી દો… હવે નહીં કરું…અને થોડી વારમાં નરાધમનુ શરીર સિત્તેરથી વધુ છરાના ઘાથી ચાળણી થઈ ગયું. પથ્થરોથી ટીચાઈ ગયું. કોઈ વીફરેલી મહિલાએ તે આરોપીનું ગુપ્તાંગ પણ કાપી નાખ્યું. 15 મિનિટમાં એ નરાધમ હતો ન હતો થઈ ગયો હતો પરંતુ મહિલાઓમાં એટલી હદે ગુસ્સો હતો કે એના મૃતદેહને પણ તેઓ છરાના ઘા મારતા રહ્યા હતા જૉકે એ દિવસે નાગપુરના કસ્તુરબા નગર વિસ્તારમાં ઉત્સવનો માહોલ હતો.
કોઈ ફિલ્મની વાર્તા હોય તેવા ખૂની ખેલમાં ભોગ બનનારો આરોપી હતો ભરત કાલિચરણ ઉર્ફ અક્કુ યાદવ. ગેંગસ્ટર, સિરિયલ કિલર, સિરિયલ રેપિસ્ટ, કિડનેપર અને ખંડણીખોર. એ નરપિશાચ કઈ હદે સિતમ ગુજારતો હશે તેનો ખ્યાલ એ વાત પરથી જ આવી જાય છે કે નાગપુરના કસ્તુરબા નગરની ઝૂંપડપટ્ટીમાં ભાગ્યે જ એવી કોઈ ઝૂંપડી હતી, જેની સ્ત્રી પર આ અક્કુ યાદવે બળાત્કાર ન ગુજાર્યો હોય! આ સમગ્ર નાટ્યાત્મક ઘટનાક્રમ પર ‘નેટફ્લિક્સ’ હવે વેબસિરીઝ બનાવી રહ્યું છે. ‘ઇન્ડિયન પ્રિડેટરઃ મર્ડર ઇન અ કોર્ટરૂમ’ નેટફ્લિક્સ પર 28 ઓક્ટોબરે રિલીઝ થશે. જૉકે વેબસિરિઝ પહેલા ફિલ્મ પણ બની ચૂકી છે. નેટફ્લિક્સના શો ‘ઇન્ડિયન પ્રિડેટર- મર્ડર ઇન અ કોર્ટરૂમ’ પહેલાં 2021માં આ આખી ઘટના પર એક ફિલ્મ પણ બની ચૂકી છે, જેનું નામ ‘200 હલ્લા હો’ રાખવામાં આવ્યું હતું. ઝી5 પર રજૂ થયેલી આ ફિલ્મમાં અમોલ પાલેકર, વરુણ સોબતી, રિંકુ રાજગુરુ, ફ્લોરા સૈની અને સાહિલ ખટ્ટર જેવા કલાકારો ચમક્યા હતા. આ ફિલ્મને ખૂબ જ સારા રિવ્યૂ મળ્યા હતા.