પશ્ચિમ બંગાળના મંત્રી અને TMC નેતા અખિલ ગિરિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, એ બાદ તેઓ વિવાદોમાં ઘેરાયા છે. તેમણે નંદીગ્રામમાં રાષ્ટ્રપતિના દેખાવને લઈને ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું- ‘અમે કોઈને તેના મોઢાથી નથી આંકતા, અમે રાષ્ટ્રપતિપદનું સન્માન કરીએ છીએ, પરંતુ આપણા રાષ્ટ્રપતિ કેવા દેખાય છે?’ ટીએમસી નેતાના આ નિવેદન બાદ સીએમ મમતા બેનર્જીની પણ ટીકા થઈ રહી છે. બંગાળ ભાજપનો દાવો છે કે મંત્રીએ ટિપ્પણી કરી ત્યારે મમતા બેનર્જીના મંત્રીમંડળની મહિલા કલ્યાણ વિભાગનાં મંત્રી શશિ પાંજા પણ ત્યાં હાજર હતાં. ભાજપે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આદિવાસી સમુદાયથી છે અને મમતા અને તેમની સરકાર આદિવાસીવિરોધી છે.
શું છે સમગ્ર મામલો
હકીકતમાં શુક્રવારે ટીએમસી નેતા શહીદ દિવસની ઉજવણીના પ્રસંગે નંદીગ્રામ મતવિસ્તારમાં લોકોને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે બંગાળમાં વિપક્ષ નેતા સુવેન્દુ અધિકારી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે સુવેન્દુ કહે છે કે હું સુંદર નથી, તેઓ કેટલા સુંદર છે.ત્યાર પછી અધિકારીને પડકાર આપતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. ભાષણ દરમિયાન TMC નેતા સુવેન્દુ અધિકારીને ધમકી આપી. અખિલ ગિરિએ કહ્યું- મમતા બેનર્જી નથી ઈચ્છતા એટલા માટે ચૂપ છું, નહીંતર મારી-મારી તેના હાથ તોડી નાખત.
ભાજપે કહ્યું- મમતાએ ચૂંટણીમાં રાષ્ટ્રપતિનું સમર્થન ન કર્યું
ભાજપનેતા અમિત માલવીયએ અખિલ ગિરિના આ નિવેદનનો વીડિયો શેર કર્યો છે. તેમણે કહ્યું-મમતા બેનર્જી હંમેશાં આદિવાસીવિરોધી રહી છે. ચૂંટણીમાં તેમણે મુર્મુનું સમર્થન નથી કર્યું. બંગાળ CM તરફથી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આવી નથી.
કોંગ્રેસના નેતાઓએ પણ રાષ્ટ્રપતિ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે
આ પહેલી વખત નથી, જ્યારે કોઈએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કર્યું હોય. આ પહેલાં કોંગ્રેસનેતા અધિર રંજન ચૌધરીએ મુર્મુને ‘રાષ્ટ્રપત્ની’ કહી વિવાદ ઊભો કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ આજે પણ જવાનો પ્રયત્ન કરશે. ભારતના ‘રાષ્ટ્રપત્ની’ દરેક માટે છે, આપણા માટે કેમ નહીં.
જોકે ત્યાર પછી તેમણે રાષ્ટ્રપતિને પત્ર લખી માફી માગી હતી. અધીરે લખ્યું- મેં ભૂલથી તમારા માટે ખોટા શબ્દનો ઉપયોગ કર્યો. મારી જીભ લપસી ગઈ. હું માફી માગું છું અને તમને એ સ્વીકારવા વિનંતી કરું છું. કોંગ્રેસના ઉદિત રાજે પણ રાષ્ટ્રપતિ પર ‘ચાપલૂસી’નો આરોપ લગાવ્યો હતો. બાદમાં તેણે પોતાની ટિપ્પણી બદલ માફી પણ માગી હતી




