Home News Update My Gujarat માનવીય અભિગમને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા રિ-લોન્ચ કરાયેલા ગુડ સમરીટન એવોર્ડથી...

માનવીય અભિગમને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા રિ-લોન્ચ કરાયેલા ગુડ સમરીટન એવોર્ડથી નર્મદા જિલ્લાના પાંચ વ્યક્તિઓને સન્માનીત કરાયા

0
  • રાજ્યકક્ષાએથી મુખ્યમંત્રીના હસ્તે યોજનાના રિ-લોન્ચ કાર્યક્રમમાં ઓનલાઇન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાતા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિત અન્ય અધિકારીઓ
  • સાંસદ મનસુખભાઇ વસાવા અને ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ સહિત અધિકારીઓના હસ્તે પાંચ વ્યક્તિઓનું પ્રશસ્તિપત્ર સાથે કરાયેલું સન્માન

જીવલેણ માર્ગ અકસ્માતમાં ઇજા પામનાર વ્યક્તિને “ગોલ્ડન અવર” માં ઇજાગ્રસ્તનો જીવ બચાવી શકાય તે માટે મદદ પહોંચાડનાર વ્યક્તિને કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત “ગુડ સમરીટન એવોર્ડ” યોજનાનું ગુજરાતમાં આજરોજ ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રિ-લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યના જિલ્લા કક્ષાના અધિકારીઓ ઓનલાઇન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. નર્મદા જિલ્લામાં ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના હસ્તે નર્મદા જિલ્લામાં અકસ્માતગ્રસ્ત વ્યક્તિઓને મદદરૂપ થનાર પાંચ વ્યક્તિઓને જિલ્લા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે એવોર્ડ આપી સન્માનિત કરાયાં હતા.

“ગુડ સમરીટન એવોર્ડ” માટેના નક્કી થયેલા માપદંડોમાં એક ગુડ સમરીટન એક અથવા વધુ વ્યક્તિઓના જીવ બચાવે તો તેને રૂા.૫,૦૦૦/- સુધીનો રોકડ પુરસ્કાર, જો એક કરતા વધુ ગુડ સમરીટન એક વ્યક્તિનો જીવ બચાવે તો તેમની વચ્ચે રૂા.૫,૦૦૦/- સમાન રીતે વહેંચવામાં આવશે અને જો એક કરતા વધુ ગુડ સમરીટન એક કરતા વધુ વ્યક્તિઓનો જીવ બચાવે તો મહત્તમ રૂા.૫,૦૦૦/- પ્રતિ ગુડ સમરીટન વ્યક્તિને પુરસ્કાર સ્વરૂપે ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

નર્મદા જિલ્લામાં ઉક્ત જણાવેલા માપદંડો હાંસલ કરનાર અને માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલ સુધી પહોંચાડનારા જિલ્લા ટ્રાફીક શાખાના હાઇવે પેટ્રોલ કારમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ બિપીનભાઇ કનુભાઇ વસાવા, ૧૦૮-એમ્બ્યુલન્સના પાયલોટ યશપાલસિંહ રણજીતસિંહ ડોઢીયા, ખાનગી એમ્બ્યુલન્સના ચાલક વિકેશભાઇ કનુભાઇ માછી, રાજપીપલાના નાગરિક મુજફર મહેબુબભાઇ શેખ અને જીતનગર ત્રણ રસ્તા ખાતે મકાઇ ડોડા વેચીને ગુજરાન ચલાવતા રોહિતભાઇ ગુરજીભાઇ વસાવાને તેમના માનવીય અભિગમ બદલ સન્માનિત કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક પી.આર.પટેલ, જિલ્લા ટ્રાફીક પોલીસના પીએસઆઇ એમ.બી. ચૌહાણ, વાહન નિરીક્ષક વી.ડી.અસલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version