- ડિસેમ્બર મહિનાના 25 દિવસમાં 108 એમ્બ્યુલન્સને કાર્ડિયેક ઈમરજન્સીના 4463 કેસ મળ્યા
રાજ્યમાં શિયાળાની કાતિલ ઠંડીના કારણે હૃદય સંબધિત સમસ્યાના પ્રમાણમાં વધારો નોંધાયો છે. હૃદયરોગના હુમલામાં દેશમાં 3 નંબરે છે. ડિસેમ્બર મહિનાના 25 દિવસમાં 108 એમ્બ્યુલન્સને કાર્ડિયેક ઈમરજન્સીના 4463 કેસ મળ્યા છે. કોરોના સમયે હૃદયરોગના હુમલાના રોજના 101 કેસ હતા, જે હવે 178 કેસ થયા છે. રિપોર્ટ મુજબ, ગુજરાતમાં વર્ષ 2021માં હૃદયરોગના હુમલાથી 2948 દર્દીના મોત થયા હતા. શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલાના કેસમાં આશરે 20 ટકાનો વધારો નોંધાયો છે.
ખાસ કરીને વહેલી સવાર દરમિયાન કાર્ડિયોવાસ્ક્યુલરના કેસ વધારે જોવા મળતાં હોય છે. કાર્ડિયોલોજીસ્ટોના મતે શિયાળા દરમિયાન હૃદય સંબધિત સમસ્યા ધરાવનારાઓએ વિશેષ તકેદારી રાખવી હિતાવહ છે. હૃદયની સમસ્યાઓ, મેદસ્વીપણું, જીવનશૈલી સાથે સંબંધિત રોગો ધરાવતા લોકો સહિત વસ્તીનો એક મોટો વર્ગ તથા બેઠાડું જીવનશૈલી જીવતા લોકોમાં શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલાનું જોખમ વધારે હોય છે.




