- ગંભીર રીતે ઘવાયેલ વિદ્યાર્થીને સારવાર માટે ખસેડાયો
અંકલેશ્વરના નવા બોર ભાઠા ગામની પ્રાથમિક શાળામાં શૌચાલય તોડવાની કામગીરી કરતા ૮થી ૧૦ વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી કાટમાળમાં દબાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી

ભરૂચ જીલ્લામાં ભૂતકાળમાં શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શાળામાં કામગીરી કરાવવામાં આવતી હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે આજરોજ અંકલેશ્વરના નવા બોર ભાઠા ગામની પ્રાથમિક શાળામાં શૌચાલય તોડવાની કામગીરી દરમિયાન શૌચાલયની દીવાલ નીચે દબાઈ જતા એક બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અંકલેશ્વર તાલુકાના નવા સરફૂદ્દીન ગામમાં રહેતો શિવમ પ્રવીણ વસાવા ધોરણ-૭મા અભ્યાસ કરવા આવ્યો હતો પરંતુ શાળાના શિક્ષકોએ તેને અભ્યાસને બદલે શાળાનું શૌચાલય તોડવાની કામગીરી સોપાતા દુર્ઘટના બની હોવાના આક્ષેપ તેની માતા સાથે અન્ય વાલીઓએ કર્યા છે. શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા અન્ય કામગીરી કરાવવામાં આવતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે શાળાના શિક્ષકોની આ કામગીરી સામે સવાલો ખડા થયા છે.




