Published by : Rana Kajal
અંકલેશ્વરના હાંસોટ રોડ સ્થિત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમને આજરોજ વહેલી સવારે તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ. જોકે તસ્કરો કશુ પણ લઇ જઈ શક્યા નહોતા.
અંકલેશ્વરના હાંસોટ રોડ સ્થિત રમણ મુળજીની વાડી સંકુલમાં આવેલ સ્ટેટ બેન્કના એટીએમમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ એટીએમ મશીનનો કાચ તેમજ કેશ બોક્સ તોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એટીએમમાં મુકેલ સિસ્ટમ સાયરન બેન્કના કન્ટ્રોલ રૂમમાં વાગતા કંઈક અજુગતુ થયુ હોવાની જાણ બેન્ક સતાધિશોએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને કરતા પોલીસ કાફલો તુરંત એટીએમ ખાતે દોડી ગયા હતા. જોકે તસ્કરોને પણ સાયરન અંગેની જાણ થતા તેઓ પણ વિલા મોંઢે પલાયન થઇ ગયા હતા.દરમ્યાન પોલીસે એટીએમ સેન્ટરના સીસીટીવી ફૂટેજ મેળવી ફરાર તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.





