ખાડામાં ગયેલા રોડ રસ્તા મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસ આક્રમક બની ભાજપ સરકારને ભીંસમાં લેવા વિરોધ પ્રદર્શન કાર્યકમો આપી રહી છે. મંગળવારે ભરૂચમાં ગદર્ભ ઉપર માર્ગ મંત્રીના પૂતળાને ફેરવ્યા બાદ આજે બુધવારે વાલિયામાં ચક્કાજામ કરાયો હતો.
સરકારના ઈશારે કામ કરતી પોલીસને પણ અપાઈ ગર્ભિત ચીમકી
કોંઢ ગામના બસ સ્ટેન્ડ પાસે રસ્તા રોકો આંદોલન કરી કોંગ્રેસે સરકાર પ્રજાના ટેક્ષના નાણાંનો દુરુપયોગ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપ સરકારનો 30 વર્ષનો ભ્રષ્ટાચાર રોડ રસ્તાના રૂપમાં હાલ જોવા મળી રહ્યો હોવાનો વિરોધ પ્રદર્શિત કરાયો હતો.પોલીસને પણ કોંગી આગેવાનોએ ચેતવી તમારું સ્થાન અમે નક્કી કરી રાખ્યું હોવાની કેફિયત વ્યક્ત કરી હતી.
ભાજપ-BTP વચ્ચે પાછલા બારણે ઇલું ઇલું : સંદીપ માંગરોલા
કોંગી આગેવાને ઝઘડિયામાં બિટીપી અને ભાજપ વચ્ચે પાછલા બારણે ઇલું ઇલું ચાલતું હોવાનો પણ આક્ષેપ કરી આગામી ચૂંટણીમાં પ્રજા તમને જાકારો આપશે નો મત વ્યક્ત કર્યો હતો. પોલીસે પ્રદર્શન કરી રહેલા 14 આગેવાનોની અટકાયત કરી હતી. ચક્કાજામમાં સંદીપ માંગરોલા, શકીલ અકુજી, શેરખાન પઠાણ, વિજય વસાવા, ફતેસિંહ વસાવા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.