Home News Update My Gujarat અમદાવાદમા કર્ણ હોસ્પિટલમા મા-દીકરીની ઠંડા કલેજે હત્યા : કમ્પાઉન્ડરની અટકાયત

અમદાવાદમા કર્ણ હોસ્પિટલમા મા-દીકરીની ઠંડા કલેજે હત્યા : કમ્પાઉન્ડરની અટકાયત

0

અમદાવાદ ગીતામંદિર ભુલાભાઈ પાર્ક સ્થિત સંકેત કોમ્પ્લેક્ષમાં આવેલી કર્ણ હોસ્પિટલમાંથી મા-દીકરીની ઠંડા કલેજે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હોસ્પિટલના કમ્પાઉન્ડર દ્વારા ૩૫ વર્ષીય પુત્રીને એનેસ્થેસીયાનું ઈન્જેકશન આપી અને માતાનું ગળું દબાવી હત્યા કરવામાં આવ્યાનું ખૂલ્યું છે. આરોપીએ માતાની લાશને ઓપરેશન થિયેટરના બેડ નીચે અને પુત્રીની લાશને કબાટમાં છૂપાવી હતી. બુધવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે હોસ્પિટલમાં આવેલા ડૉકટરે અન્ય કમ્પાઉન્ડરને કબાટમાંથી મેડીકલના સાધનો કાઢવાનું કહેતાં ૩૫ વર્ષીય મહિલાની લાશ જોવા મળી હતી. બનાવની જાણ ડૉકટરે પોલીસને કરતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરીને હોસ્પિટલના કમ્પાઉન્ડર મનસુખની અટકાયત કરી છે.
કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાન અને ગળાના રોગના નિષ્ણાત ડૉકટર અર્પિત શાહની કર્ણ હોસ્પિટલના કબાટમાંથી ૩૫ વર્ષીય મહિલાની લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં મૃતક મહિલાનું નામ ભારતીબહેન સોલંકી હોવાનું ખૂલ્યું હતું. ભારતીબહેન કર્ણ હોસ્પિટલમાં કાનની સારવાર માટે સવારે ૯.૪૫ વાગ્યે આવ્યાની વિગતો મળી હતી. તે સમયે ડૉકટર અર્પિત શાહ હોસ્પિટલમાં હાજર ન હતા. મનસુખે આ સમય દરમિયાન ભારતીબહેનને એનેસ્થેસીયાના ઈન્જેકશનનો ઓવરડોઝ આપી તેમની હત્યા કરી બાદમાં ચંપાબહેનને ઈન્જેકશન આપવાનો પ્રયાસ કર્યો હતો. જેનો ચંપાબહેને પ્રતિકાર કરતા આરોપીએ તેઓનુ ગળું દબાવી ઠંડા કલેજે હત્યા કરી હોવાનું અમદાવાદ એસીપી મીલાપ પટેલે જણાવ્યું હતું.પોલીસે હોસ્પિટલના તમામ રૂમો ચેક કરતા હોસ્પિટલના ઓપરેશન થિયેટરના રૂમમાં આવેલા બેડ નીચેથી ૫૫ વર્ષીય ચંપાબહેનનો મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસ તપાસમાં મૃતકનું નામ ચંપાબહેન ગોવિંદભાઈ વાળા (ઉં,૫૫) (નારોલ શાહવાડી)ના હોવાનું તેમજ મૃતક ભારતીબહેનની માતા થતા હોવાની વિગતો ખુલી હતી. પોલીસે હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ સ્ટાફની પૂછપરછ કરી જેમાં કમ્પાઉન્ડર મનસુખ પર શંકા વધુ મજબૂત બનતા તેની સઘન પૂછપરછ હાથ ધરાઈ હતી. બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ક્રાઈમબ્રાંચ અને પાંચ પોલીસ સ્ટેશનની ટીમો સ્થળ પર પહોંચી હતી. કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરીને મૃતક મા-દીકરીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. ભારતીબહેનની લાશ મળ્યા બાદ સીસીટીવી ચેક કરતા શાતીર આરોપીએ હોસ્પિટલના કેમેરા બંધ કરી દીધા હતા જેથી પોલીસ અધિકારીઓ સમજી ગયા હતા કે, મા-દીકરીનો હત્યારો હોસ્પિટલમાં જ છે. પોલીસે કોમ્પ્લેક્ષમાં આવેલા પાનપાર્લરના સીસીટીવી ચેક કરતા ભારતીબહેન સાથે તેમની માતા પણ આવ્યાનો ઘટસ્ફોટ થયો હતો. આથી, પોલીસે હોસ્પિટલમાં તપાસ કરતા પુત્રીની લાશ મળ્યાના બે કલાક બાદ માતા ચંપાબહેનનો મૃતદેહ પણ મળી આવતા ડબલ મર્ડરનો ખુલાસો થયો હતો. હોસ્પિટલના તમામ સ્ટાફની પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાનમાં કમ્પાઉન્ડર મનસુખના મલીન ઈરાદાનો ઘટસ્ફોટ થયો હતો.
જૉકે મૃતક ભારતીબહેન અને તેમની માતા ચંપાબહેનના શરીર પરથી સોનાના દાગીના બુટ્ટી, ચેઈનની લૂંટ થયાનો આક્ષેપ પરિવારજનોએ પોલીસ સમક્ષ કર્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરીને હત્યાના કારણ શોધવા અને ગૂમ થયેલા દાગીના અંગે પૂછપરછ હાથ ધરી હતી. કર્ણ હોસ્પિટલમાંથી માતા-પુત્રીની લાશ મળ્યાના સમાચાર વાયુવેગે વિસ્તારમાં પ્રસરતા લોકોના ટોળાં સ્થળ પર એકત્ર થવા લાગ્યા હતા. ટોળાંએ હોબાળો મચાવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે ડેડબોડી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version