Published By : Parul Patel
- અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભારતનાં 508 રેલવે સ્ટેશનનો પુન: વિકાસ માટેનો શિલાન્યાસ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાયો
- 117 વર્ષથી અવિરત સેવા આપતા આવેલા રેલ્વે સ્ટેશનનો કાયાકલ્પ થતા ભરૂચની ભવ્યતા અને અસ્મિતા ઉજાગર થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી “આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ દેશના 508 રેલવે સ્ટેશનોના ₹ 24400 કરોડના ખર્ચે પુન: વિકાસના શિલાન્યાસનો પ્રસંગ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સભાને સંબોધતા કહ્યું હતું કે, આજનો દિવસ, આનંદ અને ખુશીનો દીવસ છે. અમૃતકાળનો પ્રારંભ નવી ઉર્જા અને નવા સંકલ્પ સાથે ભરૂચ સહિત ભારતના 508 જેટલા રેલ્વે સ્ટેશનોનો કાયાપલટ થશે.
રૂપિયા 34 કરોડના ખર્ચે જ્યારે ભરૂચ રેલવે સ્ટેશનું નવનિર્માણ થશે ત્યારે આ સ્ટેશનમાં તમામ યાત્રીઓ માટે જરૂરીયાત મુજબની તમામ સુવિધા મળતા પ્રવાસી માટે કનેક્ટિવિટી અને મુસાફરીની સરળતા રહેશે.
ભરૂચની ઓળખ સમાન તેની અસ્મિતાભર્યો ઈતિહાસની ઝાંખી કરાવતું નવું રેલ્વે સ્ટેશન બનશે. એટલુ જ નહી ભરૂચ રેલવે સ્ટેશન સાથે દહેગામ પાસે બુલેટ સ્ટેશન બનતા ભરૂચના લોકોની મુસાફરી વધુ ઝડપી બનશે.
ભરૂચ હવે ભાગ્યું – ભાંગ્યુ ભરૂચ નથી રહ્યું પણ ભવ્ય અને સમુધ્ધ ભરૂચ બનવા તરફ ડગ માંડી રહ્યું છે. 117 વર્ષ બાદ સ્ટેશન આધુનિક રંગ રૂપ ધારણ કરશે.
આ પ્રસંગે, ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ઈશ્વરસિંહ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, નિવાસી અધિક કલેકટર એન. આર. ધાધલ, ચિફ પ્રોજેક્ટ મેનેજર વડોદરા મંડલ વેસ્ટન રેલવે કે.એલ. મિના, જિલ્લા ભાજપના અગ્રણીઓ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, રેલ્વે વિભાગનો સ્ટાફ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.