Published By : Parul Patel
- ✍️ ગુજરાત પ્રદેશ ભાજપ પણ ઇમર્જન્સી સર્જરી ઈચ્છે છે…પક્ષના જ ભ્રસ્ટાચારીઓ ભાજપની ઘોર ખોદી રહ્યા છે…
- ✍️ ભાર્ગવ ભટ્ટ પછી પ્રદીપસિંહ વાઘેલાનો ભોગ લેવાયો, હજુ મોટાં 3-4 માથા બાકી, પ્રદેશ પ્રમુખ CR પાટીલ વિરુદ્ધની પત્રિકાઓ પણ ઘણાંને હજુ ભાજપમાંથી તીનપાટ અપાવશે…
- ✍️ભરૂચ જિલ્લા ભાજપની પણ સંપૂર્ણ શુદ્ધિકરણ અને નવસર્જનની પાર્ટીને તાતી જરૂર, પણ એ ક્યારે?? પક્ષ કોઈ વ્યાપારી પેઢી થોડી છે???
કર્ણાટક જેવું દક્ષિણનું અતિમહત્વનું ભાજપ શાસિત રાજ્ય ફિક્સ 40% ભ્રસ્ટાચારના મુદ્દે 2024ની લોકસભામાં હેટ્રિક મારવાના ખુબજ અગત્યના સમયે, ભૂંડી રીતે રાજ્ય વિધાનસભા હારનાર ભારતીય જનતા પક્ષે કોંગ્રેસ ને દેશમાં બળ અને જીવતદાન આપ્યું, ભલે મોદીસાહેબ, શાહસાહેબની કર્મભૂમિ એવી અને દેશની રાજકીય પ્રયોગશાળા બનાવાયેલ ગુજરાતમાં 156 વિધાનસભા બેઠકો જીતવાનો આશ્ચર્યજનક સ્કોર કર્યો, પણ કર્ણાટકે દેશ મધ્યે લીધેલી આબરૂ પછી બેઉ ગુજજુ મહાનુભાવો ગુજરાતના મુદ્દે અને થોડા ઘણાં સદનસીબે સાવધાન, સચેત, જાગૃત અને કડક બન્યા છે. એ પક્ષ-પ્રજા માટે સારી નિશાની છે. ગુજરાતમાં એન્ટી ઈન્ક્મબંશી અને ભારે ભ્રસ્ટાચાર, રાજકીય ખેંચતાણ વચ્ચે મોદી -શાહની જોડીએ આખે આખું મંત્રી મંડળ જ વિખેરી નવી લોલીપપ આપતાં અને સંવેદનશીલ રાજ્ય હોઈ, હિન્દુત્વના મુદ્દે સક્રિય ભાજપ ત્રિકોણીયા જંગમાં બચી તો ગયું, મોટાં માર્જિનથી જીતી તો ગયું, ઐતિહાસિક સ્કોરે પણ પહોંચ્યું અને મોદી સાહેબની 56 ની છાતી જેવી 156 બેઠકો આપી…પણ ત્યારપછી ના ભ્રસ્ટાચાર ઓછો થયો, ના કૌભાંડો, ના રાજકીય ખેંચતાણ ઓછી થઈ. ગ્રુપિઝમ અને કૌભાંડો એવા વધ્યા કે દિલ્હી પણ ખરડાયું…એમાં પાછું અદાણી કાંડ આવ્યું…
આ બધાં વચ્ચે ગુજરાત ભાજપમાં મોટાં પરિવર્તનો-સીઝરિયન ઓપરેશન જેવા- પોતાનું જ પેટ કાપવાના ઓપરેશનો કેન્દ્ર દ્વારા વિચારાતા હતાં..આજે થશે, કાલે થશે ના અણસારોમાં ભાજપને કેન્દ્રીય કક્ષાએ કોંગ્રેસ દ્વારા પડકારો, મહારાષ્ટ્ર અને સુપ્રીમ સાથેના વિવાદો , દિલ્હીના ઓપરેશનો, રેસલર કાંડ, વચ્ચે ગુજરાત બચતું રહ્યું…પણ અસંતોષનો ચરું આજે પણ ઉકળતો જ રહ્યો છે…ચૂંટણીમાં બળવા ખોરી પછી પણ ગુજરાત આ બે કેન્દ્રીય દિગ્ગજો માટે પડકારો-પ્રશ્નો ઉભા કરતુ રહ્યું…લૂંટો ભાઇ લૂંટો, મામાનું મોસાળ જ છે…જેવું વલણ રાખી ગુજરાતના 70% જુના નેતાઓએ નાના મોટાં કૌભાંડો અને લૂંટફાટ ચાલુ રાખી…એક નેતા અબજો કમાયો, અને અમે રહી ગયાં, અમે કપાઈ ગયાં…ની ભાવના સાથે દ્વેષભાવ ગુજરાત ભાજપને ગ્રષી રહ્યું હતું. જે બદલાની ભાવના સ્વરૂપે પ્રદેશ પ્રમુખ CR પાટીલ સામેની કથિત બદનક્ષી કાંડ સુધી આવ્યું…ક્લિપ્સ અને નનામી પત્રિકાઓ, પેનડ્રાઈવ સુધી પહોંચી, દિલ્હીનું ભાજપ નેતૃત્વ દિલ્હી, મણિપુર હિંસા, મહારાષ્ટ્ર, દિલ્હી અઘ્યાદેશ અને રાહુલ ગાંધીના મુદ્દે અને હમણાં હરિયાણાના હિંસા મુદ્દે ઘવાયેલું, બઘવાયેલું હોવા છતાં ગુજરાત આવેલા માં.વડાપ્રધાને ગુજરાતના ઉકળતા ચરુંમાં પણ થોડું પાણી છાટયુ ખરું…ગુજરાત આવેલા મોદીસાહેબની આ બ્લોગમાં મુકેલી મોં ફેરવેલી પ્રદીપસિંહ વાઘેલા સાથેની તસ્વીર જ ઘણું બોલી ગઈ…
4-5 મહિના પહેલાં જ પ્રદેશ સંગઠનમાંથી સંઘના ચુસ્ત સમર્થક કહેવાતા ભાર્ગવ ભટ્ટને સંગઠનમાંથી છુટા કરાયા બાદ આજે દક્ષિણ પ્રાંતમાં પ્રદેશ સંગઠન મંત્રી તરીકે વજનદાર અને પાટીલને પણ પજવી શકે એવા મજબૂત, યુવાન પ્રદેશ સંગઠન મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને એકા એક અપમાનિત રીતે ઘરે બેસાડી દેવાના સમાચારોની હેડલાઈને ઘણાને ચોકાવ્યા, ચમકાવ્યા…5-6 દિવસથી આના ધુમાડા નીકળતા તો હતાં જ…આજે ભડકો આખા દેશે જોયો…કહેવાય છે કે જમીન પ્રકરણમાં એમનું નામ ઉછળ્યું છે, તો એમની સામે પણ પક્ષમા જ અમદાવાદમાં પત્રિકા યુદ્ધ અને એની પાટીલસાહેબ સ્ટાઈલમાં પોલીસ ફરિયાદ પણ થયેલી છે…ધુમાડો તો કહે છે પ્રદેશ પ્રમુખ પણ બેહદ નારાજ હતાં. આ સાથીથી, અને ઘણું બધું જાણતા હતાં…શક્ય છે, ગણપત વસાવાવાળા છાંટા પ્રદીપસિંહને પણ ઉડ્યા હોય…!! “ઘર ફૂટે ઘર જાય” એવો માહોલ ભાજપમાં જ્યારથી કોંગ્રેસ ક્લચર ઉછીનું લઈ આવ્યા પછી બહુ સ્વાભાવિક બન્યું છે… પ્રદીપસિંહ વાઘેલાનો ચાર્જ હમણાં ઉત્તર ઝોનના રજની પટેલને સોંપાયો છે…આ આંતરિક યુદ્ધમાં હજુ સૌરાષ્ટ્રનો વારો આવ્યો નથી, પણ બહુ વાર પણ નથી ત્યાં પણ ધુમાડા નીકળે જ છે…ભડકા થવાના બાકી છે…એ રાજકોટની નજીક જ છે ને?? કેન્દ્રીય બે ગુજજુ નેતાઓ માટે ગુજરાત સાચવવું એ પણ બહુ મોટો પડકાર છે, કોઈ શુદ્ધ, સ્વયં શક્તિશાળી નેતા જ ક્યા છે ભાજપ પાસે, ગુજરાતમાં??…ભ્રસ્ટાચારની ગંગોત્રી બનેલું ગુજરાત ભાજપ દિલ્હી પછી ઇમર્જનશીમાં ટકી જવાનો, જીવી જવાનો એક માત્ર સેફ ઝોન ગુજજુ લોબી માટે છે, એ કોણ ભૂલે?? લોકસભાના મોટાં ઓપરેશનોમાં ગુજરાતનું મોટુ શુદ્ધિકરણ અભિયાન હાલ ભલે પાછળ ઠેલાય, પણ અનિવાર્ય તો છે જ…આ બધી કેન્દ્ર અને રાજ્યની મોટી મોટી વાતો છે…
પણ આપણા ભરૂચ નું શું? ની ચિંતા બહુ સ્પષ્ટ છે. ભરૂચ જિલ્લા ભાજપમાં પણ ધડમુળથી શુદ્ધિકરણ, નવીનીકરણ અનિવાર્ય છે, રાજકારણીઓ, નેતાઓ શાન ભાન ભૂલી પોતાને મોદીજી, શાહજીથી મોટાં માની, બની બેઠા છે, રીતસરના વ્યાપારીઓ, ટપોરીઓ કે ‘ટેન્ડર કિંગ’ અને બિનસવેદનશીલ બનીને માત્ર થેલા-કોથળા ભરવામાં લાગ્યા છે, પ્રજાના પ્રશ્નો ભૂલી, જલશે ચઢ્યા છે એ બધાનું પણ ‘સીઝેરિયન’ કરવાના દિવસો નજીક જ છે…જો ગુજરાત પ્રદેશ ભાજપ આ નહિ કરે, તો દિલ્હી સુધી દોડવું પડશે. જો આ નેતાઓ માનતા હોય કે લોકસભા છે, સામે તો બચી જઈશું, તો એ માર ખાય છે…મોદીજી નું આઈ. બી. નેટવર્ક એટલું ભારે છે કે ભીક્ષુક જેવો લાગતો માણસ પણ એમનો ખાસ વિશ્વાસુ ખબરી હોય છે…અને એ એનું માને પણ છે…આપણી તો, માં નર્મદાને, મોદીસાહેબ, અમિત શાહ સાહેબને એટલીજ પ્રાર્થના કે ભરૂચ રેલવે સ્ટેશન માટે ફાળવાયેલ 34 કરોડ પછી, સલામત હાથોમાં ભાડભૂત બેરેજ યોજના ઉપરાંત, નવા અધ્યતન ભરૂચ માટે, ભરૂચમાં નવી મહાનગર પાલિકા બનાવી તેના દ્વારા શહેરના વિકાસ માટે બીજું 50-75-100 કરોડના ફંડથી ભરૂચને અધ્યતન અને સુવિધાવાળું બનાવો, પણ નવા, સક્ષમ, પ્રજાલક્ષી, નોન કરપ્ટ, સક્ષમ અધિકારીઓ અને પદાધિકારીઓ, નેતાઓના હાથે…અમને પણ નવા ભરૂચ સાથે નવું, સક્ષમ અને દીર્ઘદ્રષ્ટિ નેતૃત્વ આપો, બહુ દુઃખ જોયું, વેઠ્યું છે ભ્રુગુ કચ્છે…જુના કાટમાળને કાઢો “કમલનાથ – સ્વામી..” અમારે કશું નથી જોઈતું, જે ને જે જોઈએ તે આપો…પણ પાપીઓ, ભ્રષ્ટ, અસફળ, નિષ્ક્રિય, વ્યભિચારી અને ભ્રસ્ટાચારીઓને કાપો…🙏🏻🙏🏻✍️