Published By : Parul Patel
- ઝઘડિયાના અશા અને વડોદરાના માલસર વચ્ચે બ્રિજના લોકાર્પણ માટે તંત્રે PMO પાસે માંગી તારીખ
- બ્રિજથી 20 કિમીનો ફેરાવો ઘટશે…
વડોદરાના માલસર અને ભરૂચના ઝઘડિયાના અશા ગામ વચ્ચે નર્મદા નદી ઉપર ₹233 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 3.5 કિલોમીટર લાંબા બ્રિજના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. બ્રિજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ માટે તંત્રે PMO માં તારીખ માંગી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અશા અને વડોદરાના માલસર ગામની વચ્ચે નર્મદા નદી પર 233 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા બ્રિજની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. વડોદરા અને ભરૂચ જિલ્લા વચ્ચેના અંતરમાં 20 કિમીનો ઘટાડો થતાં વાહનચાલકોના સમય અને ઇંધણનો બચાવ થશે.
ઝઘડિયાના અશા ગામની સામેના કિનારે માલસર ગામ આવેલું છે. હાલમાં બંને ગામો વચ્ચે નાવડીઓ મારફતે લોકો અવરજવર કરે છે. ઝઘડિયા તાલુકાના ગામોમાંથી વડોદરા તરફ જવા માટે ભરૂચ અથવા રાજપીપળા થઇને જવુું પડતું હોય છે. તેથી બાઇક કે સ્કૂટરને નાવડીમાં મૂકી લોકો નદી પાર કરતાં હોય છે.
રાજય સરકારે અશા અને માલસર વચ્ચે 233 કરોડ રૂપિયાના ખર્ચથી પૂલ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. 3.5 કિલોમિટરની લંબાઇ અને 16 મિટરની પહોળાઇ ધરાવતા આ બ્રિજનો 900 મિટરનો હિસ્સો નદી ઉપરથી પસાર થશે. બાકી અશા તરફ 600 મિટર અને માલસર સાઇડ 2 કિલોમિટરનો ભાગ છે.
હવે બ્રિજ બની ગયા બાદ વડોદરાથી નેત્રંગ, ડેડિયાપાડા ઉપરાંત મહારાષ્ટ્ર બાજું જતા વાહનવ્યવહારને સરળતા થશે. આ બ્રિજ બનતાની સાથે જ વડોદરાથી નેત્રંગ ઉપરાંત ડેડિયાપાડા, મહારાષ્ટ્ જવા માટે 20 કિમીનું અંતર આછું થઈ જશે.
બોકસ : 16 પિલ્લર ઉપર નવો બ્રિજ બનાવામાં આવ્યો
ડભોઇ, શિનોર, માલસર અને અશા તરફના રાજમાર્ગ ઉપર નર્મદા નદી પર પીએસસી ગર્ડર ડેક પૂલ બનાવવા આવ્યો છે. બ્રિજને 16 પિલ્લર પર ઉભો કરવામાં આવ્યો છે. ઉપરાંત રિટેઇનિંગ વોલ, સાઇડ વોલ, ગર્ડર કાસ્ટિંગની કામગીરી કરવામાં આવી છે. નવો બની રહેલો બ્રિજ વાહનચાલકો માટે આર્કષણનું કેન્દ્ર બની રહ્યો છે. વહેલી તકે PM ના હસ્તે બ્રિજનું લોકાર્પણ થાય તેવા પ્રયાસો શરૂ કરાયા છે.