- જંબુસરના ભાણ ખેતર ગામે 400 વર્ષ પહેલા સ્થાપી હતી શંખ અને છીપલાં મિશ્રિત પ્રતિમા
ભરૂચ જિલ્લાના જંબુસર નજીક ભાણખેતર ગામ આવેલું છે. પુરાણકાળમાં આ વિસ્તાર ભાનુક્ષેત્ર તરીકે ઓળખાતો. અહીં પુરાણકાળમાં મહર્ષિ યાજ્ઞવલ્ક્યજી સેંકડો વર્ષ સુધી સૂર્યનારાયણની ઉપાસના કરી હતી. તેમની ઉપાસનાથી સૂર્યનારાયણને પ્રસન્ન થઈને ધરતી પર આવવું પડ્યું હતું. આ તપોભૂમિ પર મરાઠા-પેશ્વાકાળ સમયનું અંદાજે 400 વર્ષ જૂનું શ્રી સિદ્ધિ વિનાયક ગજાનન મંદિર આવેલું છે. જેમાં શંખ-છીપલાં મિશ્રિત માટીમાંથી નિર્મિત શ્રીજી ગણેશજીની 9 ફુટ ઊંચી અને 7 ફુટ પહોળી મૂર્તિ બિરાજમાન છે.શ્રદ્ધાળુઓમાં ભારે આસ્થા ધરાવતા આ ગણેશ મંદિરમાં ગણેશોત્સવ દરમિયાન દર્શન માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળે છે.

ગણેશજીની મૂર્તિ અને મંદિરના ઇતિહાસ વિશે જાણવા મળ્યા મુજબ ચાર સદી અગાઉ તપસ્વી સાધુ મહાત્માઓનો સંઘ ફરતો ફરતો મહર્ષિ યાજ્ઞવલ્ક્યજીની તપોભૂમિ ભાનુક્ષેત્ર આવી પહોંચ્યો. તેમણે અહીં મોતીરામ ભટ્ટ નામના એક ભક્તના ખેતરમાં પડાવ નાંખ્યો હતો. સાધુ મહાત્માઓ ગણેશજીના ઉપાસકો હોઇ તેમણે મહર્ષિ યાજ્ઞવલ્ક્યજીની તપોભૂમિ પર ગણેશજીની મૂર્તિ સ્થાપવાનો સંકલ્પ કરી જ્યાં પડાવ નાંખ્યો હતો ત્યાં જ મૂર્તિ બનાવવાનો પ્રારંભ કર્યો. મૂર્તિ માત્ર માટીમાંથી બનાવાય તો કાળક્રમે ખંડિત થઇ જાય તેમ હતી. જેથી સાધુસંતોએ જમીનમાં ખોદકામ કરતાં જમીનના પેટાળમાંથી શંખ-છીપલાં સાથેની રાખોડી રંગની માટી મળી આવી હતી. આ માટીમાં પાણીનું મિશ્રણ કરવાથી માટી સૂકાતાં પથ્થર બની જતી હોઇ તેમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી તેની વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરી મંદિર બનાવ્યું હતું. સાધુ સંતો દ્વારા સૈકાઓ પહેલાં સ્થપાયેલી ગણપતિની મૂર્તિ 9 ફુટ ઊંચી અને 7 ફુટ પહોળી છે. શંકર સ્વરૂપ-ત્રિલોચનધારી અને જમણી સૂંઢવાળા ગણેશજીના મસ્તક ઉપર શેષનાગ બિરાજમાન છે.
ધરતીકંપમાં પણ સલામત રહી મંદિરની મૂર્તિ

ત્રિલોચનધારી-જમણી સૂંઢવાળા ગણેશજીની મૂર્તિ ચમત્કારિક છે. તેનું પ્રમાણ 2001ના ધરતીકંપ વખતે મંદિરની લોખંડની ગ્રીલને નુકશાન થયું હતું પરંતુ શંખ-છીપલાં મિશ્રિત માટીમાંથી બનેલી ગણેશજીની મૂર્તિ સલામત રહી હતી. ચમત્કારિક અને મનોકામના પૂર્ણ કરનાર શ્રી સિદ્ધિ વિનાયક ગજાનંદ મંદિર આ પ્રકારનું એક માત્ર મંદિર હોઇ આ સ્થળે ગણેશોત્સવ, ગણેશ ચોથ અને મંગળવારે ગણેશ ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટે છે.