Published By : Patel Shital
- વાવાઝોડાની ભયાનકતા વચ્ચે ગામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં જીવ તાળવે બંધાયા હતા…
- વાવ સરકારી હોસ્પિટલની આરોગ્ય ટીમે દેવદૂત બની સગર્ભા મહિલાને તાત્કાલિક સારવાર આપી ડિલિવરી કરાવી…
સમગ્ર રાજ્ય સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ બિપરજોય વાવાઝોડાને કારણે છેલ્લા 2 દિવસથી લોકોમાં ભય અને ઉચાટની લાગણી જોવા મળી રહી છે. ગુરુવારે કચ્છ જિલ્લામાં વાવાઝોડું લેન્ડફોલ થવાની શકયતા વચ્ચે લોકોમાં એક પ્રકારની મૂંઝવણ અને ડરનો માહોલ પેદા થયો હતો. જિલ્લાના વાવ તાલુકાના સૂઇગામ સહિતના સરહદી વિસ્તારમાં વાવાઝોડાની તીવ્રતા અને નુકશાનની ભીતિ વચ્ચે વાવ તાલુકાના ખીમાણા વાસ ગામમાં આફતની અફરાતફરીના માહોલમાં આનંદની ઘટનાએ લોકોને રાહત અને ખુશી આપી છે.
વાવ તાલુકાના ખીમાણાવાસ ગામે બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ ગામમાં ભારે વરસાદ અને તેજગતિએ પવન ફૂંકાવાની લીધે લોકોમાં એક પ્રકારનો ભયનો માહોલ હતો. વાવાઝોડાની ભયાનકતા વચ્ચે ગામની એક મહિલા વિમળાબેનને પ્રસૂતિની પીડા ઉપડતાં સૌના જીવ તાળવે બંધાયા હતા અને વાવાઝોડાને પગલે હવે શું થશે એવી શંકા કુશંકા ઉભી થઇ હતી. ત્યારે ઘરના સભ્યો દ્વારા વિમળાબેનની પ્રસુતિની પીડા અંગે ગામની આરોગ્ય ટીમના ફિમેલ હેલ્થ વર્કરને ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવી હતી.
પરિસ્થિતિની ગંભીરતા સમજી ડૉ. કનુભાઈ પંડ્યા અને આરોગ્યની ટીમ સગર્ભા વિમળાબેનના ઘરે પહોંચી ગઈ હતી. અને તેમને વધુ સારવારની જરૂર હોઇ PHC ની ગાડીમાં વાવ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતાં. જ્યાં રાત્રે ડિલિવરી થતાં વિમળાબેને એક તંદુરસ્ત બાળકને જન્મ આપતાં વિમળાબેનના પરિવાર સહિત સૌ એ હાશકારો અનુભવ્યો હતો. અને વાવ સરકારી હોસ્પિટલના તબીબ અને સ્ટાફની આફતના સમયે માનવતા દાખવી દેવદૂત બની કરેલી કામગીરીને બિરદાવી તેમનો આભાર માન્યો હતો.