હવે લોકો ફિટનેસ પ્રત્યે સજાગ બની ગયા છે. દરેક વ્યક્તિફિટ રહેવા પ્રયત્ન કરે છે. લોકોમાં આવેલી જાગૃતિ પાછળ ઘણા કારણો છે. ફિટનેસને કારણે વ્યક્તિ ઘણી બીમારીઓથી દૂર રહી શકે છે. કસરત કરવાથી તમારું શરીર શેપમાં રહે છે અને તમે કોન્ફિડન્ટ અનુભવો છો. પરંતુ જો જીમમાં કોઇ પણ પ્રકારની ગાઇડન્સ વગર કસરત કરવામાં આવે તો તે નુકસાન પણ કરી શકે છે. હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક શખ્સની સાથે આવી કંઇક ઘટના બની હતી.
ગેબે લિએસ્ચ્કે નામના આ વ્યક્તિને જીમમાં બાયસેપ્સની કસરત કરતી વખતે ઈજા થઈ હતી. ભારે વજનના કારણે તેની બાવડાની નસ ફાટી ગઇ હતી. પરંતુ ડોક્ટરોએ વોર્નિંગ આપવા છતાં તે આરામ કરવાને બદલે જીમમાં ગયો હતો. જેનું પરીણામ એટલું ખતરનાક આવ્યું કે તેણે કલ્પના પણ નહીં કરી હોય. ઇન્ફેક્શનના કારણે તેના હાથ કાપવાની ફરજ પડી હતી. આ ઘટનામાંથી શીખ લઇ બીજા કોઈ સાથે આવું ના થાય તે માટે તેણે બાકી લોકોને જાગૃત કરવા માટે પોતાની સ્ટોરી શેર કરી છે.




