કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એન.ડી.પી.)ના નેતા પંજાબમાં જન્મેલા જગરૂપ બ્રારને, બ્રિટિશ કોલંબિયાની વિધાનસભામાં મંત્રી પદે લેવામાં આવ્યાં છે. બ્રિટિશ કોલંબિયાનાં પાટનગર વિક્ટોરિયામાં ગવર્નમેન્ટ હાઉસમાં બુધવારે તેઓના શપથ વિધિ થયા હતા.
જગરૂપ બ્રાર પંજાબના ભાટીંડા જિલ્લામાં આવેલાં નાનાં એવાં ગામ દેવોનમાં જન્મ્યા હતા. બ્રાર ઉપરાંત પંજાબમાં જન્મેલાં રચના સિંઘ, અને હેરી બેઈન્સ, તથા રવિ કહલોનને પણ મંત્રી પદે લેવામાં આવ્યાં છે. જ્યારે પંજાબમાં જ જન્મેલાં નિક્કી શર્માને બ્રિટિશ કોલંબિયા રાજ્યમાં એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે બ્રાર બ્રિટિશ કોલંબિયામાં લેજિસ્લેટિવ એસેમ્બલીમાં સરે-પેનોરામા-રીજ મતવિસ્તારમાંથી સભ્ય પદે ચૂંટાઈ આવ્યાં છે. તે સર્વવિદિત છે કે કેનેડાનાં સંરક્ષણ મંત્રી પદે ભારતીય વંશનાં અનિતા આનંદ છે. તેઓ પણ મૂળ પંજાબી છે. વિદેશોમાં રહી ભારતીયોએ ભારતનો ડંકો વગાડયો છે. કમલા હેરિસ તો અમેરિકાનાં ઉપપ્રમુખ પદે છે. જ્યારે બ્રિટનના વડા પ્રધાન ઋષિ શુનક પણ ભારતીય વંશના છે. તેઓના પિતામહ પંજાબમાંથી તે સમયનાં અખંડ ભારત સમયે બ્રિટનમાં આવી વસ્યા હતા તે સર્વવિદિત છે.