Published By:-Bhavika Sasiya
- ભારતીય લોકો અને વિદ્યાર્થીઓમાં આયરલેન્ડનુ આકર્ષણ વધ્યુ છે તેનુ કારણ એ છે કે આયર્લેન્ડ માં અભ્યાસ અને રોજગારીની સારી તકો છે.
યુરોપિયન દેશ આયર્લેન્ડનું અર્થતંત્ર વધુને વધુ મજબૂત થતું જઈ રહ્યું છે. તેમજ તેનો સતત વિકાસ થઈ રહ્યો છે આયર્લેન્ડની મજબૂત અર્થવ્યવસ્થાને જોતાં ભારતીય વિદ્યાર્થીઓ આયર્લેન્ડ તરફ શિક્ષણ મેળવવા માટે આકર્ષાયા છે. આયર્લેન્ડની એમ્બેસીના ડેટા અનુસાર, વર્ષ 2022માં 6,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રીનો અભ્યાસ કરવા માટે વિદેશ જવા બાબતે આયર્લેન્ડને પસંદ કર્યું હતું.
ભારતીય વિદ્યાર્થી મોટા પ્રમાણમાં આયર્લેન્ડ તરફ ઝૂક્યા તેનું સૌથી મોટું કારણ અહીંની શિક્ષણ પ્રણાલી છે. આયર્લેન્ડની શિક્ષણ પ્રણાલી અલગ-અલગ વિષયોના કોર્સીસ ઓફર કરે છે. ભારતમાં આયર્લેન્ડના એમ્બેસેડર બ્રેન્ડન વોર્ડે જણાવ્યું હતું કે, ઇન્ટર્નશીપ, પ્લેસમેન્ટ અને રિસર્ચની વિવિધ તકો દ્વારા તેઓ શિક્ષણ અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેના સહયોગને પ્રોત્સાહન આપીને વધુ મજબૂત કરે છે. તેમણે જણાવ્યું કે “આયર્લેન્ડમાં અંગ્રેજીનું શિક્ષણ વધુ એક એવી બાબત છે જે ભારતીયોને આકર્ષે છે. આયર્લેન્ડમાં અંગ્રેજી એ શિક્ષણનું પ્રાથમિક માધ્યમ છે, જેથી જે ભારતીય વિદ્યાર્થીઓ પહેલેથી જ અંગ્રેજી ભાષામાં નિપુણ છે, તેઓ અહીં સરળતાથી એડજસ્ટ થઈ શકે છે. તેમજ આવા વિદ્યાર્થી તેમના સાથી વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સ સાથે સતત ચર્ચામાં ભાગ લઈને પોતાના અભ્યાસમાં સારી પ્રગતિ કરી શકે છે યુરોપિયન દેશોમાં આયર્લેન્ડનું અર્થતંત્ર સૌથી ઝડપી વિકસ્યું હોવાના કારણે તેણે ભારતીય વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચ્યું છે. જેનાથી આયર્લેન્ડની લોકપ્રિયતામાં વધારો થયો છે. બ્રેન્ડન વોર્ડ વધુમાં જણાવ્યું કે, “આયર્લેન્ડની ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રણાલી પણ ભારતીય વિદ્યાર્થીઓમાં આયર્લેન્ડની લોકપ્રિયતાનું કારણ બન્યું છે. આયર્લેન્ડ તેના શ્રેષ્ઠ શિક્ષણ પ્રણાલી માટે વખણાય છે. આયર્લેન્ડ શિક્ષણ પ્રણાલી માટે એટલું પ્રચલિત છે કે કેટલીક આઇરિશ યુનિવર્સિટી સતત વિશ્વમાં ટોચના પાંચ ટકા યુનિવર્સીટીઝની યાદીમાં સ્થાન મેળવે છે.”.