રાષ્ટ્રને આઝાદી મળ્યાના 75 વર્ષ પૂરા થયાની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાહન વ્યવહાર અને યાત્રાધામ વિકાસ બોર્ડના મંત્રી અરવિંદ રૈયાણીએ પોતાના ભાષણમાં ભાંગરો વાટ્યો હતો. તેઓએ સ્ટેજ પરથી કહ્યું કે, 1997માં ભારત દેશ આઝાદ થયો હતો અને દાયકાઓ સુધી આપણા દેશને આઝાદ કરવા માટે સ્વાતંત્ર્ય સેનાનીઓએ લડત ચલાવી હતી.
જોઈને વાંચી રહ્યા હોવા છતાં ભુલ કરી
મંત્રી અરવિંદ રૈયાણીએ દેશ 1947ના બદલે 1997માં આઝાદ થયો હોવાનો ભાંગરો વાટતા લોકો પણ ચોકી ઉઠ્યા હતા. સરકારના મંત્રી જે પોતાનું ભાષણ જોઈને વાંચી રહ્યા હતા. તેમ છતાં પણ આવડી મોટી ભૂલ કરી હતી તે તમામ લોકોને નવાઈ લાગી હતી.

આ પ્રસંગે મંત્રીએ કેશોદ તાલુકાના વિકાસ કાર્યો માટે કલેકટર રચિત રાજને રૂ.25 લાખનો ચેક અર્પણ કર્યો હતો.કેશોદ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારી- કર્મચારીઓનું મંત્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે સન્માન-પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું હતું. જેમાં મહેસુલ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી માટે વંથલીના આસીસ્ટન્ટ કલેક્ટર હનુલ ચૌધરી, જૂનાગઢ કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર પી.આર. રાયજાદા, કલાર્ક એચ.એલ.પટેલ, જૂનાગઢ જિલ્લામાં પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી માટે પીએસઆઈ ડી.એમ.જલું, એએસઆઈ વિક્રમભાઇ કાનાભાઇ ચાવડા, કોન્સટેબલ વિમલભાઇ ધનજીભાઇ ભાયાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.





