Published By : Patel Shital
- ખેડુતો ઓછા ઉત્પાદનના પગલે અને ઓછી આવકના પગલે કેસરના વૃક્ષો કાપી રહ્યા છે…
- ગુજરાતની અને ગીરની શાન ગણાતા કેસર કેરીના બગીચાઓને ખેડૂતો હાલ નષ્ટ કરી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે…
છેલ્લા લગભગ પાંચેક વર્ષથી ગીર સોમનાથ જીલ્લામાં કેસર કેરીના પાકમાં સતત અને એકધારો ઘટાડો થઈ રહ્યો છે જેને લઈને કેરી પકવતા ખેડૂતો હવે આંબાના વૃક્ષો કાપી અન્ય પાક તરફ વળી રહ્યા છે.
વધુ વિગતે જોતા તાલાલા-ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાજનક રીતે સેંકડો કેસર આંબાના વૃક્ષો કપાઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. ગીર સોમનાથ જીલ્લામાં કુલ 15,500 હેક્ટરમાં કેરીના આંબાનું વાવેતર કરવામાં આવ્યું છે. માત્ર તાલાલા-ગીરમાં જ 9,500 હેક્ટરમાં આંબાના વાવેતર સાથે અહીંનો વિસ્તાર કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે. જો કે હવે ગીરનું હીર અને ફળોના રાજા ગણાતી કેસર કેરીના સેંકડો વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, તેથી કેસર કેરીના આંબા નષ્ટ થઇ રહ્યા છે. આંબાના વૃક્ષો માત્ર આકોલવાડી ગીર જ નહીં. પરંતુ તાલાલા-ગીરના સુરવા, ઘાવા, હડમતીયા સહિતના ગામોમાં પણ કપાઇ રહ્યા છે. કેસર કેરીના આંબાના બગીચાઓ કાપી રહેલા ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી કેરીના પાકમાં સતત ઉત્પાદન ઘટી રહ્યું છે. ગ્લોબલ વોર્મિગની અસર અને કુદરતના કહેર સમા કમોસમી માવઠાના મારથી કેરી પકવતા બાગાયતી ખેડૂતો દિન પ્રતિદિન નુકશાનીના ખપ્પરમાં હોમાય રહ્યા છે…