પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા રાજા પટેરિયાની પોલીસે ધરપકડ કરી છે. મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી રાજા પટરિયાએ એક મીટિંગમાં પીએમ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે મંગળવારે સવારે 7 વાગે તેની પન્ના સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી.
વીડિયોમાં કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટૈરિયા વડાપ્રધાન મોદીની હત્યા કરવાની વાત કરી રહ્યા છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. રાજા પટેરિયા અમુક કાર્યકર્તાઓને સંબોધન કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, મોદી ચૂંટણીને ખતમ કરી દેશે. મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે ભાગલા પાડી દેશે. પછાત, આદિવાસીઓ અને અલ્પસંખ્યકોનું જીવન જોખમમાં છે. જો બંધારણને બચાવવું હોય તો મોદીની હત્યા માટે તૈયાર રહો. જોકે ત્યારપછી તેઓ કહે છે કે, હત્યા એટલે કે હાર.
જો કે વીડિયો વાયરલ થતા જ તેમણે યુ-ટર્ન લઈ લીધો છે. તેમણે મીડિયા રિપોર્ટમાં કહ્યું છે, તેમનો કહેવાનો અર્થ હતો કે, આવતી ચૂંટણી હવે મોદીને હરાવો. આટલું તેમણે એવું પણ કહ્યું છે કે, વાતચીતના ફ્લોમાં તેમનાથી આવું બોલાઈ ગયું છે. બીજેપી નેતાઓએ આ વીડિયો શેર કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે કોંગ્રેસની સાચી ભાવના છતી થઈ ગઈ છે. પરંતુ આવી બાબતોને સાંખી લેવામાં આવશે નહીં. કાયદો તેનો માર્ગ અપનાવશે.