Published by : Rana Kajal
- પનીરની માંગમાં સતત વધારો થતો હોવા બજારમાં અછત સર્જાતી નથી… કારણ માત્ર નકલી પનીર…
કોઈપણ લગ્ન પ્રસંગ હોય કે અન્ય પ્રસંગ હોય પનીરની સબ્જી તો હોય જ…… તેમજ હોટલમાં પણ પનીરની સબ્જીની માંગ ગ્રાહકો સૌથી વધુ કરતા હોય છે ત્યારે પનીર નકલી પણ હોય શકે છે તેવા ચોકાવનારા રિપોર્ટ પણ સામે આવી રહ્યાં છે…… પનીરની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે તેમ છતાં પનીરની અછત સર્જાતી નથી તેનુ કારણ છે માત્ર નકલી પનીર…હાલમાંજ વડોદરા ડેરી મેન્યુફેકચર એન્ડ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ચોંકાવનારી ઍવી માહિતી સાપડી કે કેટલાક માફીયાઓ દ્વારા ગુજરાતની આસપાસ એટલે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી રોજનું હજારો કિલો અખાદ્ય પનીર ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યું છે. આ બાબત આરોગ્ય અંગે ખૂબ ઘાતક છે.
નકલી પનીર અંગે વિગતે જોતા ભેળસેળિયાઓ દ્વારા વહેલી સવારે ખાનગી વાહનોનો ઉપયોગ કરી શહેરની મોટાભાગની હોટેલો તેમજ નાના વેપારીઓને ખુબ નજીવી કિંમતે પનીર પહોચાડે છે. હોટેલ સંચાલકો તેમજ વેપારીઓ સસ્તાની લાલચમાં શહેરમાં જ બનતું પ્યોર અને મોંઘુ પનીર સ્વીકારવા તૈયાર નથી. સાથેજ અન્ય રાજ્યોમાંથી શહેરમાં જે કેમિકલ યુક્ત પનીર ઠાલવવામાં આવી રહ્યું છે જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી છે કારણ કે એ પનીર જેવી દેખાતી ચીજમાં દૂધ તો હોતું જ નથી. કેટલાક ખાસ પ્રકારના કેમિકલ, પામ ઓઇલ, સહિતના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે જો કોઈ નાગરિક તેને આરોગે તો મેદસ્વિતા સહિત લાંબાગાળે ખૂબ ગંભીર પ્રકારની આંતરડા ની બીમારીને નોતરે છે.
વડોદરા ખાતે એશિયાની સૌથી આધુનિક ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી આવેલી છે જ્યાં તાત્કાલિક ધોરણે ખાદ્ય પદાર્થોની ચકાસણી થાય તેવી ટેકનિક છે સૌથી પહેલા તો અસલી પનીર બનાવવાની પદ્ધતિ જોતા. અત્યારે બજારમાં ગાયના દૂધનો ભાવ 40 થી 45 રૂપિયે લિટર છે જે સૌ કોઈ જાણે જ છે. ત્યારે ઉત્પાદકો દ્વારા પણ બજાર કિંમતે જ દૂધ ખરીદવામાં આવતું હોય છે. આ દૂધને પ્લાન્ટમાં રહેલી સ્ટોરેજ ટેન્કમાં મોકલવામાં આવે છે. સ્ટોરેજ ટેન્કમાં દૂધને 90 ડિગ્રી પર ગરમ કરવામાં આવે છે. ત્યાર બાદ 85 ડિગ્રી દૂધ ને ઠંડુ કરવામાં આવે છે. દૂધ ઠંડુ થઈ ગયા બાદ તેમાં દૂધની માત્રા સામે 0.1 ટકા કેલ્શિયમ કલોરાઇડ ઉમેરવામાં આવે છે ત્યારબાદ દૂધમાંથી પાણી અલગ કરવા 0.1 સાઈટ્રિક એસિડ ઉમેરવામાં આવે છે. દૂધ ફાટી જાય ત્યાર પછી તેમાંથી છુટ્ટા પડેલા પાણીને અલગ કરવામાં આવે છે ને બાદમાં પનીરને છૂટું પાડવામાં આવે છે.
પનીર અલગ થયા બાદ તેને એક આકાર આપી ડીપ ફ્રીઝ માં મુકવામાં આવે છે અને બાદમાં પેકિંગ કરી બજારમાં વેચાણ અર્થે મોકલવામાં આવે છે. આ આખી પ્રક્રિયામાં ઓછામાં ઓછા દસ લોકો જોતરાયેલા હોય છે. અસલી પનીર બનાવવામાં મોંઘુ દૂધ તેમજ કપરી મહેનત લાગતી હોવાથી આ અસલી પનીર બજારમાં 350 રૂપિયેથી 400 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. આ પનીર વજનમાં હલકું, ખૂબ નરમ, તેમજ તેમાં દૂધનો સ્વાદ અવશ્ય આવે છે… અસલી પનીરમાં કેલ્શિયમની ભરપૂર માત્રા હોય છે, જ્યારે નકલી પનીરમાં અસલમાં દૂધ હોતું જ નથી. અસલમાં અહીં દૂધ પણ નકલી બનાવવામાં આવે છે અને આ નકલી દૂધમાં કેટલાક ઘાતક કેમિકલ તેમજ પામ ઓઇલ, કલરનો ઉપયોગ કરવામાં આવે છે અને બાદમાં પનીર જેવા જ આબેહૂબ દેખાતા પદાર્થનું ઉત્પાદન કરવામાં આવે છે. આ નકલી પનીર વજનમાં ભારે, કઠણ, થોડુંક ચિકાસ વાળુ તેમજ બેસ્વાદ હોય છે અને તેના ઉત્પાદન પાછળ ખૂબ ઓછો ખર્ચ થાય છે. જેથી આ પનીર બજારમાં ખુબ સસ્તી કિંમતમાં ઉપલબ્ધ થાય છે.