- હવામાન વિભાગ દ્વારા અગાઉ તમામ દિવસમાં વરસાદની આગાહી કરાઇ હતી
- હવે મોનસૂન સિસ્ટમ બદલાતા વરસાદ નહીં પડે તેવી આગાહી કરાઇ
કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે ઉલ્લાસભેર નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવા ખેલૈયાઓ સજ્જ છે. જો કે હવામાન વિભાગ દ્વારા થોડા દિવસો અગાઉ નવરાત્રીના નવે નવ દિવસ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી જો કે આજે હવામાન વિભાગે નવી આગાહી કરી છે જે મુજબ હવે નવરાત્રીમાં વરસાદ નહીં પડે.
આ વર્ષે નવરાત્રીમાં યુવાધન મન મૂકીને હિલ્લોળે ચઢવા માટે સજ્જ છે. છેલ્લા બે વર્ષથી રાજ્યમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી ન હતી. કોરોનાના કારણે નવરાત્રી મહોત્સવના મોટા આયોજનોને પરવાનગી આપવામાં આવી ન હતી અને હવે આ વર્ષે પરવાનગી આપવામાં આવી છે. હાલ યુવાધન પણ નવરાત્રીની ઉજવણી માટે સજ્જ બન્યો છે. જો કે રાજ્યના હવામાન વિભાગ દ્વારા થોડા દિવસો અગાઉ આગાહી કરવામાં આવી હતી કે નવરાત્રીમાં વરસાદ વિલન બની શકે છે અને નવે નવ દિવસ વરસાદ વરસી શકે છે. તો આજે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વરસાદ આગામી બે દિવસમાં પૂર્ણ થશે અને નવરાત્રી દરમિયાન વરસાદ નહીં વરસે. મોનસૂન સિસ્ટમમાં ફેરફાર થતાં હવે વરસાદ વરસવાની શક્યતા નહિવત છે. ત્યારે ખેલૈયાઓ માટે આ આનંદના સમાચાર છે સાથે સાથે મોટા આયોજનો કરનાર માટે પણ આ આનંદદાયક સમાચારો છે.