- શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બનેલ સિદ્ધિ વિનાયક મંદિર આબેહુબ મુંબઈના સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરાવે છે.
ભગવાન ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ભરૂચના મકતામપુર સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર અનેરી આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ભકતોમાં અદકેરી શ્રદ્ધા ધરાવતું સિદ્ધિ વિનાયક મંદિર આબેહુબ મુંબઈના સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરાવે છે.
કળીયુગ માટે કહેવાય છે કે કલવે ચંડી વિનાયકા અર્થાત કળીયુગમાં માતાજીનાં સ્વરૂપ તથા ભગવાન વિનાયક જ સર્વ શ્રેષ્ઠ છે. તેઓની પૂજા અર્ચનાથી જ સમસ્ત જીવ માત્રનું કલ્યાણ થાય છે.ભરૂચના મક્તમપુર વિસ્તારમાં ભગવાન સિદ્ધિ વિનાયકનું ૧૫૦ વર્ષ પુરાણું મંદિર આવેલું છે. આ મંદિર પ્રત્યે ભક્તોને ખૂબ જ આસ્થા છે. અહી ભગવાન વિધ્નહર્તા તેઓની બે પત્ની રિદ્ધિ તથા સિદ્ધિ સાથે બિરાજમાન છે અહી ના મંદિરની ખાસિયત એ છે કે ભગવાન ગણેશ જમણી સૂંઢ સાથે અહી બિરાજમાન છે. જે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કરાવે છે. કહેવાય છે કે જમણી સૂંઢવાળા વિનાયકની ઘરમાં પૂજા કરવામાં આવતી નથી અને તેથી જમણી સૂંઢવાળા ગણેશજી મંદિરોમાં પૂજાય છે અને ગણપતિ દાદા સૌને મનોવાંછિત ફળ આપે છે. ભગવાન સિદ્ધિ વિનાયક સૌની મનોકામના પૂર્ણ કરે એવું અહી આવનાર તમામ ભક્તોએ અનુભવ્યું છે. સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણેશ મહોત્સવ દરમિયાન ભક્તજનોની ભારે ભીડ જોવા મળે છે અને લોકો અનેરી આસ્થા ધરાવે છે.