Published by : Anu Shukla
- ગુજરાતની નર્મદા, તાપી, મહીસાગર, ઓરસંગ નદીઓને પણ ગંગા અને યમુનાની જેમ સુરક્ષાની જરૂર : સાંસદ મનસુખ વસાવા
- તમામ મંત્રાલયોને પત્ર લખી રજુઆત પણ રેટ માફિયાઓને ઉચ્ચ રાજકીય અને વહીવટી રક્ષણ આપવામાં આવતું હોવાના કારણે આ ગેરકાયદે ધંધો સતત ચાલુ
- વડાપ્રધાન Narendra Modi ને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી
ભરૂચ BJP ના આદિવાસી સિનિયર સાંસદ મનસુખ વસાવાએ હવે ગુજરાતની નર્મદા, તાપી, મહીસાગર, ઓરસંગ સહિતની નદીઓને ઉચ્ચ રાજકીય વગ અને વહીવટી પીઠબળ ધરાવતા રેત માફિયાઓના હાથમાંથી બચાવી લેવા વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા પત્ર લખી વિનંતી કરી છે.
ભરૂચના MP મનસુખ વસાવાએ 6 દિવસ પેહલા જ મુખ્યમંત્રી, રાજ્ય સરકારના સંબંધિત મંત્રાલયને ગુજરાતની નર્મદા નદીનો રેત માફિયાઓ દ્વારા થઈ રહેલા વિનાશને અટકાવવા પત્ર લખ્યો હતો. જે બાદ સાંસદે લોકસભામાં તેમજ સંબંધિત રાજ્ય તેમજ કેન્દ્રના અન્ય મંત્રાલયોમાં પણ પત્ર થકી રાજ્યની નદીઓને બચાવવા પત્રો પાઠવ્યા હતા.
જોકે હવે BHARUCH MP મનસુખ વસાવાએ સીધો હિન્દીમાં વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીને જ પત્ર પાઠવ્યો છે. સાંસદે PM ને પત્ર મારફતે ગુજરાતની નદીઓને બચાવી લેવા વિનવણી કરી છે. જેમાં વેદના વ્યક્ત કરી છે કે, દેશની નદીઓને સ્વચ્છ અને પુનઃજીવિત કરવાનું અભિયાન આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે ગંગા અને યમુના નદીઓ આજે પહેલા કરતા વધુ પવિત્ર દેખાય છે. દેશના લોકો આ રાષ્ટ્રવ્યાપી અભિયાનથી ઘણા ખુશ છે, પરંતુ દેશમાં એવી ઘણી નદીઓ છે જેને ગંગા અને યમુના જેવી સુરક્ષાની જરૂર છે.
ગુજરાતની નર્મદા, તાપી, મહિસાગર, ઓરસંગમાં રેતી ખનન નદીઓના અસ્તિત્વને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. નદીઓમાં 25 થી 30 ફૂટની ઉંડાઈ સુધી રેતી કાઢવામાં આવે છે અને કાઢવામાં આવેલી રેતીને વહન કરવા માટે ભારે ટ્રકોનો ઉપયોગ કરવામાં આવે છે. નદીઓમાં પુલ કે રસ્તાઓ બનાવીને આ ટ્રકોને ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવે છે.
આ ઓવરલોડેડ ટ્રકો અને રેતી કાઢવાની મશીનરીને કારણે નદીઓના બંને કાંઠે લીલીછમ વનસ્પતિઓ અને વૃક્ષો-છોડ સહિતનો પણ નાશ થઈ રહ્યો છે. જેના કારણે પાણીના સ્ત્રોત ઉપર આવે છે અને તેના કારણે નદીઓમાં સતત પાણીનો પ્રવાહ રહે છે તેવા વૃક્ષો, વનસ્પતિના નિકંદનથી નદીની ઇકોલોજી પણ નષ્ટ થઈ રહી છે. આ એક પ્રકારની કુદરતી સંપત્તિ છે જેનો ગેરકાયદેસર ખાણકામ કરતા લોકો દ્વારા નાશ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે.
સાંસદે વધુમાં PM ને લખ્યું છે કે, તેઓએ આ અંગે સંબંધિત મંત્રાલયને પત્રો પણ લખ્યા છે અને લોકસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. તેઓ સાથે અનેક પર્યાવરણવાદીઓ અને પરિક્રમાવાસીઓએ નર્મદા બચાવો અભિયાન શરૂ કર્યું છે. આ વિસ્તારના તમામ લોકો સાંસદ સાથે છે. નર્મદા બચાવો અભિયાન શરૂ કરાયું છે પરંતુ રેતી માફિયાઓને ઉચ્ચ રાજકીય અને વહીવટી રક્ષણ આપવામાં આવતું હોવાના કારણે આ ગેરકાયદે ધંધો સતત ચાલી રહ્યો છે. સાંસદે વડાપ્રધાનને વિનંતી કરી છે કે, ગંગા અને યમુનાની જેમ નર્મદા નદીને પણ બચાવવી જોઈએ.જેમાં PM નરેન્દ્ર મોદીના તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર હોવાનું અંતમાં કહ્યું છે.

ભરૂચ ના MP એ 6 દિવસ પેહલા CM ને લખેલો પત્ર
રાજકીય મોટા માથાઓ જ ગેરકાયદે રેતી ખનન કરી નર્મદાનું કરી રહ્યાં છે નિકંદન..વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં બેફામ રેતી ખનનમાં રાજકારણીઓના જ હાથ…
સાંસદે મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવાયું હતું કે ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લામાં નર્મદાના પટમાંથી મોટાપાયે ગેરકાયદેસર રેતી કાઢવાનું કામ જોરશોરથી ચાલે છે. નારેશ્વર નજીક લિલોડ ગામ તેમજ ઓઝ ગામથી સામે કાંઠે સુધી નદીમાં ગેરકાયદેસર મોટા પાળા બનાવ્યા છે, જેના કારણે નદીનો પ્રવાહ રોકાય છે. નદીના પટમાંથી 5 મીટરની ઉંડાઈથી રેતી કાઢવાની મંજુરી સરકારમાંથી આપવામાં આવે છે.
રેત માફિયાઓ 25 થી 30 મીટરની ઉંડાઈથી રેતી કાઢે છે. રાતના 11 થી 12 વાગ્યા સુધી રેતીની ટ્રકો ચાલે છે. મોટાભાગની ટ્રકો રોયલ્ટી વિનાની હોય છે. રેત માફિયાઓ રોયલ્ટીની ચોરી કરે છે. સાંસદે પત્રમાં વધુમાં જણાવ્યું હતુકે મોટાભાગના આ રાજકીય મોટા માથાઓ આ પ્રકારનું ગેરકાનૂની કાર્ય કરે છે. આ બાબતે ઉંડી તપાસ કરીને ગેરકાયદેસર થતું રેતખનન અટકાવવા સાંસદે માંગ કરી હતી.




