ગુજરાત રાજયની જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિ.ના નિર્ણયથી હડકંપ સર્જાયો છે, રાજ્યને 540 આયુર્વેદ બેઠકનું નુકસાન થવાની સંભાવના ઉભી થઈ છે. નામના પ્રાપ્ત એવી જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ ચાલુ વર્ષે રાજ્યની ૯ કોલેજોના જોડાણ એક સાથે રદ કરી દીધા છે. જેમના એફિલિએશન રદ થયા છે તેમાં ગાંધીનગર, વડનગર, વિસનગર, રાજકોટ, મહીસાગર અને પંચમહાલની આયુર્વેદ કોલેજો નો સમાવેશ થાય છે. જોકે ઇતિહાસમાં પહેલીવાર આટલી બધી કોલેજોનાં જોડાણ એકસાથે રદ થયા છે. આયુર્વેદ યુનિવર્સિટીના આ પગલાંથી ગુજરાતની 540 આયુર્વેદ બેઠક ઘટી ગઇ છે, જેથી આર્યુવેદના શિક્ષણ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. તેથી જ રાજ્યભરના શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે. જોકે સામાન્ય રીતે કોલેજોના જોડાણ રદની પ્રક્રિયામાં પહેલા યુનિવર્સિટી ક્વેરી આપે તેનું હિયરિંગ થાય અને પછી કોલેજ ઇચ્છે તો બોર્ડ ઓફ ગવર્નન્સ પાસે અપીલમાં પણ જઈ શકે છે. બાદમાં આ અંગે આખરી નિર્ણય લેવાતો હોય છે, પરંતુ આ વખતે જે ૯ કોલેજોનું જોડાણ રદ કરાયું છે અને તેમને ક્વેરીની સાથો સાથ જ જોડાણ રદ કરાયું હોવાનો પત્ર પાઠવી દેવાતા હોબાળો મચી ગયો હતો. જોકે, યુનિવર્સિટીને ભૂલ સમજાતા બાદમાં હિયરિંગ કરાયું છે.
હાલમાં ગુજરાતમાં 23 આયુર્વેદ કોલેજ છે, જે જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન છે. આ કોલેજોએ દર વર્ષે આયુર્વેદ યુનિવર્સિટી સાથે જોડાણ પ્રક્રિયા કરવાની હોય છે. તેમાં યુનિવર્સિટી તેના નોર્મ્સને ધ્યાનમાં રાખી એફિલિએશન ફી લઈને જોડાણ આપતી હોય છે. આ વર્ષે પણ એ જ પ્રક્રિયા કરાઈ, પરંતુ યુનિવર્સિટીએ તો 23માંથી 10 કોલેજના જોડાણ રદ કરી દીધા. જોકે, પાછળથી ભાવનગર ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજને એફિલિએશન આપી દેવાયું, પરંતુ રાજ્યની બાકીની ૯ કોલેજોને જોડાણ આપવાનો ઇનકાર કરાયો અને આ કોલેજો અંગે બે થી માંડીને 80 ક્વેરી કઢાઇ. એક કોલેજને તો સેન્ટ્રલની મંજૂરી મળી ગઈ હોવા છતા તેનું જોડાણ પણ યુનિવર્સિટીએ રદ કરી દીધું. રાજ્યભરની આટલી બધી કોલેજો પર એકસાથે કોરડો વિંઝાતા આયુર્વેદિક કોલેજોમાં હડકંપ મચી ગયો છે. સાથે જ ગુજરાત રાજ્ય માં આર્યુવેદના શિક્ષણ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે 9 આયુર્વેદ કોલેજોના એફિલેશન રદ કરાયા.
રાજ્યની 9 આયુર્વેદ કોલેજોના એફિલેશન રદ
- બચુભાઈ ગોવિંદભાઈ ગેરૈયા આયુર્વેદ કોલેજ, રાજકોટ…
- ધન્વંતરી આયુર્વેદ કોલેજ, મહીસાગર…
- ઇવા આયુર્વેદ કોલેજ, સુપરડી, રાજકોટ…
- ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ, રાજકોટ…
- જય જલારામ આયુર્વેદ કોલેજ, શિવપુરી, પંચમહાલ…
- મુરલીધર આયુર્વેદ કોલેજ, રાજકોટ…
- બાલા હનુમાન આયુર્વેદ મહાવિદ્યાલય, લોદ્રા, ગાંધીનગર…
- મર્ચન્ટ આયુર્વેદ કોલેજ, વિસનગર…
- વસંત પરીખ આયુર્વેદ કોલેજ, વડનગર