ગુજરાતમાં જુલાઈ માસમાં થયેલા વરસાદથી રાજ્યમાં કુલ 70 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 23.20 ઈંચ વરસાદ નોંધાયો છે. ગત વર્ષે બીજી ઓગસ્ટ સુધીમાં 11.79 ઈંચ સાથે સિઝનનો માત્ર 36 ટકા વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લામાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. બીજી બાજુ ઓગસ્ટમાં ભારે વરસાદની શક્યતાઓ નહીંવત છે. રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછા વરસાદથી ખેડૂતો ચિંતિત થયાં છે.
70.24 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર
રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત 70.24 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જ્યારે ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ ખેડૂતો દ્વારા વાવણી ચાલું છે તેમ આજે ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાહત કમિશનર પી.સ્વરૂપે જણાવ્યું હતું. રાહત કમિશનર પી.સ્વરૂપની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.
ગુજરાતના જળાશયોમાં 60.74% જળ સંગ્રહ
રાહત કમિશનરે કહ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં 262412 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 78.55% છે. જ્યારે રાજયનાં 206 જળાશયોમાં 339027 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 60.74% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ –53, એલર્ટ ૫ર કુલ-9 તેમજ વોર્નીગ ૫ર કુલ -17 જળાશય છે.તેમણે કહ્યું હતું કે, રાજયમાં હાલ કુલ NDRFની 13 ટીમો તહેનાત કરાઇ છે. જેમાં અમરેલી-1, બનાસકાંઠા-1, ભાવનગર-1, દેવભૂમી દ્વારકા-1, ગીરસોમનાથ-1, જામનગર-1, જૂનાગઢ-1, કચ્છ-1, નવસારી-2, રાજકોટ-1, સુરત-1 અને વલસાડમાં-1 ટીમનો સમાવેશ થાય છે. આમ કુલ -13 NDRFની ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે.
6 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે
રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામશે. થોડા દિવસ વિરામ લીધા બાદ હવે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવતીકાલથી વરસાદ પડશે. 6 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની આગાહી પણ કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આખો મહિનો વરસાદી માહોલ છવાયેલો રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે. જેના પગલે લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળશે.