Published By : Parul Patel
હાલમાં ભારત અને કેનેડાના સંબંધો વણસી રહ્યા છે, ત્યારે ગુજરાતીઓ સહીત મોટા ભાગના ભારતીય લોકોએ કેનેડાની નાગરિકતા સ્વીકારી છે. એટલુંજ નહીં પરંતુ હજીપણ ખુબ મોટી સંખ્યામાં ભારતીયો કેનેડામાં વસવાટ કરવા ઉત્સુક છે.
ભારતના વિદેશ મંત્રાલયે ભારત અને કેનેડાના બગડી રહેલા સંબંધો વચ્ચે મહત્વના આંકડા જાહેર કર્યા છે. આંકડા અનુસાર, જાન્યુઆરી 2018 અને જૂન 2023 વચ્ચે લગભગ 1.6 લાખ ભારતીયોએ ભારતની નાગરિકતા છોડીને કેનેડાની નાગરિકતા સ્વીકારી છે, જે લગભગ 20 ટકા છે. એક અહેવાલ મુજબ, કેનેડા છેલ્લા 5 વર્ષોમાં ભારતીય પ્રવાસીઓ માટે અમેરિકા બાદ બીજા સૌથી વધુ પસંદગીના સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબરે અને યુકે ચોથા સ્થાને છે.
TOIના રિપોર્ટ અનુસાર, લગભગ 8.4 લાખ ભારતીયોએ આ સમયગાળા દરમિયાન તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી અને તેઓ 114 અલગ-અલગ દેશના નાગરિક બન્યા હતા. જેમાં 58% લોકોએ યુએસ અથવા કેનેડાને પસંદ કર્યું છે. TOI અનુસાર, વર્ષ 2020માં કોરોનાકાળમાં થયેલા ઘટાડાને બાદ કરતાં ભારતીય નાગરિકતા ત્યાગ કરવા બાબતે ભારતીયોની સંખ્યા વધી છે. વર્ષ 2018માં આ સંખ્યા 1.3 લાખથી વધીને 2022માં 2.2 લાખ થઈ ગઈ હતી. વર્ષ 2023ના પ્રથમ 6 મહિનામાં 87,000 ભારતીયોએ વિદેશી નાગરિકતા પસંદ કરી હતી.TOIના રિપોર્ટમાં HR લૉના લીડર અને ઇમિગ્રેશન એક્સપર્ટ વિક્રમ શ્રોફે જણાવ્યું હતું કે, ટોચની ચાર પસંદગીઓ અપેક્ષાઓને અનુરૂપ છે. વિક્રમ શ્રોફે વધુમાં જણાવ્યું હતું કે, “ભારતીયોની અન્ય દેશોમાં સ્થળાંતર કરવાનું કારણ ઉચ્ચ જીવનધોરણ, બાળકોનું શિક્ષણ, રોજગારીની તકો અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો અન્ય નાગરિકો દેશના લોકો માટે રહેઠાણ અને નાગરિકતા મેળવવાનું સરળ અને ઝડપી બનાવીને વિદેશી પ્રતિભાઓને આકર્ષિત કરી રહ્યા છે.”