Published by : Rana Kajal
- રાજ્યમાં ઇલેકિટ્રક વાહનોની સંખ્યામાં 1475 %નો વધારો, દોઢ લાખ સુધીની સબસિડી
- રાજ્યમાં EVની સંખ્યાનો આંકડો 1,18,086 સુધી પહોંચ્યો, 152 ર્ચાર્જિંગ સ્ટેશન
- 2021 માં ઇ-વ્હીકલ પોલિસી જાહેર કરાઇ હતી
- હાલ ગુજરાતમાં 1,06,341 ટુ વ્હીલર, 4039 થ્રી વ્હીલર્સ અને 5646 ફોર વ્હીલર્સ
ગુજરાતમાં ઇ-વ્હીકલ પોલિસી જાહેર કરાયા પછી EVના રજિસ્ટ્રેશનમાં 1475 ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. આની સાથે ગુજરાત રાજયમાં આજે રજીસ્ટર્ડ ઇલેક્ટ્રિક વ્હિકલની સંખ્યાનો આંકડો 1,18,086 સુધી પહોંચી ગયો છે, જે અગાઉ માત્ર 7240 આસપાસ રહ્યો હતો.
ગુજરાત રાજયમાં ગત પાંચ મહિનાથી જોવા જઈએ તો દર મહિને 8858 ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી કરવામાં આવી છે. ગુજરાતમાં સૌથી વધારે 31,561 ઈલેક્ટ્રીક વાહનો સુરતમાં નોંધાયા છે. ત્યારપછી અમદાવાદમાં 20,937 વડોદરામાં 7648, રાજકોટમાં 6678 અને જામનગરમાં 3259 EV નોંધાયા છે. ગુજરાતમાં નોંધાયેલા કુલ 1.18 લાખ ઇ-વ્હીકલમાંથી 1,06,341 ટુ વ્હીલર, 4039 થ્રી વ્હીલર્સ અને 5646 ફોર વ્હીલર્સ છે અને બાકીના 2006 અન્ય કેટેગરીમાં આવતા ઈલેક્ટ્રીક વાહનો છે.
હવે ગુજરાત રાજયમાં સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ઝડપથી EV ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં રાજયમાં કુલ 152 ચાર્જિંગ સ્ટેશન છે. આગામી સમયમાં 250 નવા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
અત્યારે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા અને ચાર્જિંગ સ્ટેશન સાઈટ પસંદગીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે BISAG-N સાથે મળીને ઝોન/હોટસ્પોટ ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેના અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં 91, મ્યુનિસિપાલિટી અંતર્ગત આવતા વિસ્તારોમાં 48, રાજય ધોરીમાર્ગો/રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 96 હોટસ્પોટ અને પ્રવાસન સ્થળો પર 15 હોટસ્પોટની પસંદગી કરવામાં આવી છે.
અત્યારે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી કરવા પર સબસિડી મળે છે. સરકારે બહાર પાડેલી પોલીસી પ્રમાણે ટુ-વ્હીલર પર મહત્તમ રૂ.20,000, થ્રી-વ્હીલર પર મહત્તમ રૂ.50,000 અને ફોર વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો પર મહત્તમ રૂ.1.50 લાખની સબસીડી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજય સરકાર દ્વારા રૂ.133.38 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. આ પોલિસી ચાર વર્ષના સમયગાળા માટે કાર્યરત રહેશે, જે અંતર્ગત કુલ બે લાખ ઇલેક્ટ્રિક વાહનો પર સબસીડી આપવામાં આવશે.
ઈલેક્ટ્રિક વ્હિકલ પોલીસી એ ગુજરાતની નીતિ અને ગ્રીન ગ્રોથ વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ગ્રીન ગ્રોથ દેશમાં હરિયાળી ઔદ્યોગિક અને આર્થિક પરિવર્તન સાથે જોડાયેલ છે. ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન અને વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરીને ગ્રીન ગ્રોથ ચલાવવામાં ઇલેક્ટ્રિક વાહનો EVs મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ઈલેક્ટ્રીક વ્હિકલ આબોહવા પરિવર્તન સામે લડવામાં અને પ્રદુષણમાં ઘટાડો કરવામાં મદદ કરે છે.